રાપર/કચ્છ: રાપર તાલુકાના શાણપર ગામે ખેતીવાડીના રસ્તે જૂની અદાવતને લઈને પિતા અને પુત્રે મળીને ૨૦ વર્ષીય યુવાન પર પાવડા અને લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવાનને માથા અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. બનાવ અંગે બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, શાણપર ગામના રહેવાસી મહેશભાઈ ગણપતભાઈ કોલી (ચાવડા) તારીખ ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બપોરે પોતાની બાઈક લઈને ખેતર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં ગામના જ મોતીભાઈ રામાભાઈ કોલીના ખેતર પાસેથી પસાર થતી વખતે ખેતરમાં પાણી વાળી રહેલા હરેશ મોતીભાઈ કોલીએ મહેશભાઈને ઉશ્કેરતા શબ્દો કહ્યા હતા. વાતાવરણ તણાવપૂર્ણ બનતા મહેશભાઈ સમજાવવા માટે તેમના ખેતરે ગયા હતા.
આ સમયે ત્યાં હાજર હરેશના પિતા મોતીભાઈ રામાભાઈ કોલીએ ગાળાગાળી શરૂ કરી હતી. બોલાચાલી વધતા આરોપી હરેશ કોલી આવેશમાં આવી પોતાની પાસે રહેલા પાવડા વડે મહેશભાઈના માથાના ડાબા ભાગે જોરદાર ઘા માર્યો હતો. આ હુમલાથી મહેશભાઈ લોહીલુહાણ થઈ ચક્કર ખાતા જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ મોતીભાઈ કોલીએ લાકડી વડે તેમના ડાબા હાથ પર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મહેશભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાપર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરો દ્વારા માથામાં ચાર ટાંકા અને હાથમાં એક ટાંકો લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આશરે પાંચ મહિના પહેલા આ જ આરોપીઓએ મહેશભાઈના પિતા ગણપતભાઈ પર હુમલો કર્યો હતો, જે બાબતે અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તે જૂની ઘટનાનું મનદુઃખ રાખીને આરોપીઓએ આ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઘટના બાદ સમાજના આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સમાધાન ન થતા આખરે તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બાલાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે હરેશ મોતીભાઈ કોલી અને મોતીભાઈ રામાભાઈ કોલી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
0 ટિપ્પણીઓ