અંજાર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સગતાભાઈ સોમાભાઈ રબારી (રહે. અંજાર) તેમના ભાઈ વિરમભાઈ અને ફઈના દીકરા નાગજીભાઈ સાથે રવિવારે રાત્રે ગાંધીધામથી અંજાર પરત ફરી રહ્યા હતા. રાત્રે આશરે 10 વાગ્યાના સમયે મેઘપર બોરીચી ગામના હાઇવે પર પુલિયા નજીક પહોંચતા ખુશાલ બાવાજી અને અન્ય એક ઈસમે તેમનું બાઈક રોકાવ્યું હતું.
આરોપીઓએ “મારી સામે કેમ જુએ છે?” કહી ગાળાગાળી શરૂ કરી હતી. દરમિયાન નાગજીભાઈએ તેમના ભાઈ વિરમભાઈને ફોન કરવાનો પ્રયાસ કરતા ખુશાલે તેમનો મોબાઈલ તોડી નાખ્યો હતો. બાદમાં ખુશાલે ફોન કરીને દેવાંગ અને એક અન્ય ઈસમને બોલાવ્યા હતા. ચારેય શખ્સોએ મળીને ફરિયાદી અને તેમના સાથીઓ પર હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન આરોપી ખુશાલ બાવાજીએ છરી વડે સગતાભાઈ પર હુમલો કરતા તેમને ડાબા પગે ઈજા થઈ હતી. બચાવવા આવેલા વિરમભાઈને પણ છરી મારતા ડાબા હાથના કાંડાની નસ કપાઈ ગઈ હતી અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી. અન્ય આરોપીઓએ ધોકા વડે માર માર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
હુમલા બાદ આરોપીઓ ફરિયાદીના ખિસ્સામાંથી મોબાઈલ ફોન તેમજ બાઈક (રજી. નં. GJ-39-E-7828) લૂંટી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અંજારની માતૃસ્પર્શ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ મામલે અંજાર પોલીસે ખુશાલ બાવાજી, દેવાંગ તથા બે અજાણ્યા ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 309(4) (લૂંટ), 118(1), 118(2), 324(4) તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
0 ટિપ્પણીઓ