દુધઈઃ ભચાઉ તાલુકાના સંગમનેર ગામના 61 વર્ષીય પરસોત્તમ મનજીભાઈ છાભૈયા (પટેલ) ઢોંગી મહંતના જાળમાં આવી ગયા. “ઘરનું ધન ડબલ કરી આપીશ” એવી લાલચમાં આવીને પરસોત્તમભાઈએ 22 લાખ રોકડ અને સોનાં-ચાંદીના દાગીનાં મળીને અંદાજે 52 લાખ રૂપિયાનું ધન ગુમાવ્યું. આખરે ભરોસો રાખવો ભારે પડ્યો અને પોલીસ ફરિયાદ સુધીનો મામલો પહોંચ્યો.


ઢોંગી મહંતનો પરિચય


19 ઓગસ્ટે પરસોત્તમભાઈ ગામના મંદિર પાસે બેઠા હતા ત્યારે ભગવા વસ્ત્રધારી એક વ્યક્તિ GJ 12 DS 6789 નંબરની કારમાંથી ઊતર્યો. પોતે પિંગલેશ્વર મહાદેવ આશ્રમનો મહંત હોવાનું કહી પરિચય કરાવ્યો અને ફરિયાદીનો નંબર લઈ ગયો. બીજા જ દિવસે ફોન કરીને કહ્યું કે “તમારા માટે મને સ્વપ્ન આવ્યું છે, ખેતરમાં વિધિ કરવી પડશે.”


ખેતરમાં ‘વિધિ’ અને ચમત્કાર


પરસોત્તમભાઈએ સાધુના કહેવાથી માટલું, કંકુ, ચોખા, અગરબત્તી જેવી સામગ્રી સાથે ખેતરમાં જઈ વિધિ કરાવી. સાધુએ માટલું દાટી મંત્રોચ્ચાર કર્યા. સાંજે ફોન કરીને કહ્યું કે માટલાં પાસે જઈ માટી હટાવજો. ફરિયાદીએ તેમ કરતાં મૂર્તિઓ અને ચાંદી જેવા સિક્કા મળ્યાં. સાધુએ તરત જ સમજાવ્યું કે “ભગવાન તમારું કલ્યાણ કરવા માગે છે, તમારું ધન અહીં દાટશો તો તે ડબલ થઈને બહાર આવશે.”


લાખોનું ધન દાટી દીધેલું


આ ચમત્કારમાં વિશ્વાસ રાખીને પરસોત્તમભાઈએ 22 લાખ રોકડ, સોનાની વીટી, મંગળસૂત્ર, હાર, પોચી, 100 ગ્રામનું સોનાનું બિસ્કીટ, ચેઈન વગેરે મળી કુલ 52 લાખ રૂપિયાનું ધન ખેતરમાં દાટી દીધું. સાધુએ કહ્યું મુજબ 11 સપ્ટેમ્બર સુધી અગરબત્તી કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ ત્યાર પછી સાધુનો ફોન બંધ થઈ ગયો.


સત્ય બહાર આવ્યું


ફરિયાદીને શંકા જતા ખેતરમાંથી ડબ્બો બહાર કાઢ્યો તો અંદર રાખેલું બધું ધન ગાયબ હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ કોઈ મહંત નહોતો, પણ ભચાઉના વાદીનગરનો અને હાલ ચીરઈમાં રહેતો રમેશનાથ ધીરાનાથ વાદી હતો.


પોલીસ કાર્યવાહી


દુધઈ પોલીસે BNS કલમ 316(2), 305, 331(3) અને 331(4) હેઠળ ગુનો નોંધ્યો. પીઆઈ આર.આર. વસાવાની આગેવાનીમાં તપાસ હાથ ધરાઈ અને મળતી માહિતી મુજબ આરોપીને પોલીસે ઝડપી લીધો છે.