અદાણી પાવર કંપનીની ભેદભાવપૂર્ણ નીતિના કારણે વાઢીયા ગામ સહિત આસપાસના ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાનનો મુદ્દો હાલ ગરમાયો છે. કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નહીં આવતાં ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ખેડૂતોની માંગણીઓ અને દુખદ સ્થિતિને સમજવા આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સમિતિના પ્રમુખ વી.કે. હુબલ વાઢીયા ગામે પહોંચ્યા હતા.
આ અવસરે રાપરના પૂર્વ ધારાસભ્ય સંતોકબેનના પતિ તથા જાણીતા ઉદ્યોગપતિ ભચુભાઈ આરેઠીયા, મનજીભાઈ રાઠોડ, વિનયભાઈ પરસોડ, રામજીભાઈ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગામના ખેડૂતો સાથે સીધી વાતચીત કરી અને પાકના થયેલા નુકસાનની હકીકત જાણવા ખેતરોની મુલાકાત લીધી.
જિલ્લા કિસાન સંઘ તથા તાલુકા કિસાન સંઘના નેતાઓએ જણાવ્યું કે ખેડૂતોને કંપનીના કારણે મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે, છતાં કંપની કોઈ જવાબદારી લેતી નથી. ખેડૂતોના હિત માટે સંગઠન દ્વારા સતત ધરણાં અને આંદોલન ચાલી રહ્યા છે. આ લડતને વધુ મજબૂત બનાવવા કોંગ્રેસે પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. કોંગ્રેસના આગેવાનો સ્પષ્ટ રીતે જણાવ્યું કે આંદોલનમાં તેમનો સહયોગ રાજકીય લાભ માટે નથી, પરંતુ ખેડૂતોના હક અને ન્યાય માટે છે.
ભચુભાઈ આરેઠીયાએ ખેડૂતોને એકતા અને સંગઠિત રીતે લડત આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સંગઠિત રહેશું તો જ કંપની સામે દબાણ ઉભું કરી શકાશે. બીજી તરફ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુબલે ભાજપના ધારાસભ્યો તથા તાલુકા-જિલ્લા પંચાયત પ્રમુખોની ખુલ્લેઆમ ટીકા કરી હતી. તેમણે આરોપ મૂક્યો કે ભાજપના પ્રતિનિધિઓ ખેડૂતોના હિતમાં ઉભા રહેવાના બદલે કંપનીના પક્ષમાં કાર્ય કરી રહ્યા છે. તેથી ખેડૂતોમાં શંકા ઊભી થઈ છે કે સરકારના પ્રતિનિધિઓનો હિત કંપની સાથે જોડાયેલો છે.
ખેડૂતોના પાકનું નુકસાન માત્ર આર્થિક નુકસાન નથી, પરંતુ તેમની જિંદગી સાથે જોડાયેલું છે. પાક પર જ તેમની રોજીરોટી આધારિત છે. જો વળતર ન મળે તો ઘણા ખેડૂતો દેવામાં ગરકાવ થઈ જશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આગેવાનોના આગમનથી ખેડૂતોમાં થોડી આશા ઊભી થઈ છે.
હવે જોવાનું રહેશે કે અદાણી પાવર કંપની ખેડૂતોના હિતમાં આગળ આવે છે કે ખેડૂતોને ન્યાય અપાવવા આંદોલન વધુ ઉગ્ર બનશે.


0 ટિપ્પણીઓ