ગાંધીધામ/આદિપુર, 22 જાન્યુઆરી 2026 :ગુજરાત પોલીસના “સેવા, સુરક્ષા અને શાંતિ”ના સૂત્રને સાર્થક કરતી કામગીરી રૂપે પૂર્વ કચ્છ-ગાંધીધામના આદિપુર પોલીસ સ્ટેશને પ્રજાલક્ષી પહેલ હાથ ધરી છે. “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ચોરી તથા ગુમ થયેલ કુલ રૂ. 12,83,269/- કિંમતનો મુદ્દામાલ અને રોકડ રકમ મૂળ માલિકોને પરત સોંપવામાં આવી હતી.
બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના એસપી શ્રી સાગર બાગમાર દ્વારા પોલીસ-પ્રજા વચ્ચે વિશ્વાસ વધે તેવા કાર્યો કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેના અનુસંધાને આદિપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.સી. વાળા અને તેમની ટીમે સતત મહેનત કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે.
આ અભિયાન દરમિયાન આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ અલગ પાંચ ગુનાઓમાં જપ્ત કરાયેલા સોનાના ચેઈન અને રોકડ મળી કુલ રૂ. 9,16,000/- નો મુદ્દામાલ ફરિયાદીઓને પરત અપાયો હતો. ઉપરાંત, ગુમ થયેલા મોબાઈલ ફોન અંગે CDR અને CEIR પોર્ટલ મારફતે ટેકનિકલ તપાસ કરતા 15 જેટલા કિંમતી મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં આવ્યા, જેની કુલ કિંમત રૂ. 3,67,269/- થાય છે.
પરત કરાયેલા મોબાઈલમાં iPhone 16 Plus, Vivo V30E, Samsung A22, OnePlus Nord CE3, Oppo તથા Redmi જેવા મોંઘા મોડલનો સમાવેશ થાય છે.
આ તમામ મુદ્દામાલ પરત આપવા આદિપુર પોલીસ સ્ટેશન ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પી.આઈ. શ્રી એમ.સી. વાળા, પી.એસ.આઈ. શ્રી આર.એમ. દુવા અને પોલીસ સ્ટાફના હસ્તે અરજદારોને તેમની ચીજવસ્તુઓ સન્માનપૂર્વક પરત આપવામાં આવી.
આ પ્રજાલક્ષી કામગીરી બદલ સ્થાનિક નાગરિકોમાં આદિપુર પોલીસ પ્રત્યે પ્રશંસા અને વિશ્વાસ બંનેમાં વધારો જોવા મળ્યો હતો.





0 ટિપ્પણીઓ