કચ્છમાં ફરી અજબ પ્રેમની ગજબ કહાની: થરપારકરના પ્રેમીપંખીડા રણ પાર કરીને રતનપર સુધી પહોંચ્યા



કચ્છ જિલ્લામાં ફરી એકવાર અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઇસ્લામકોટ તાલુકાના લસરી ગામના એક કિશોર-કિશોરી પ્રેમમાં ઘર છોડીને ભારતની સરહદ પાર કરી રતનપર ગામની સીમામાં આવેલા સાંગવારી માતા મંદિર સુધી પહોંચી ગયા હતા. ખડીર પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ બન્નેને કસ્ટડીમાં લઇ તપાસ શરૂ કરી છે.


🌙 પ્રેમ માટે સરહદ પાર કરનાર કિશોર-કિશોરી


ખડીર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, મીર સમુદાયના 16 વર્ષીય કિશોર અને 15 વર્ષીય કિશોરી વચ્ચે પ્રેમસંબંધ હતો. પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી બન્નેએ ચાર દિવસ પહેલાં રાત્રે 12 વાગ્યે ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું. બન્નેએ માત્ર બે લિટર પાણી અને થોડું ખાવાનું લઈને યાત્રા શરૂ કરી હતી. રસ્તામાં આવેલા એક ટાપુ પર રાત રોકાઈ, વરસાદી પાણી પીધું અને પછી રણનું પાણી પાર કરીને આગળ વધ્યા.


🌾 રતનપરના શ્રમિકે સૌપ્રથમ જોયા પ્રેમીપંખીડાં


રતનપરના સરપંચના જણાવ્યા મુજબ, ગામની સીમામાં આવેલા સાંગવારી માતાજીના મંદિર નજીક લાકડા કાપતા શ્રમિકે સૌપ્રથમ બન્નેને ખાટલામાં સુતેલા જોયા હતા. સવાર થતાં વાતચીત કરતા શંકા ઉભી થઈ અને ગ્રામજનોને જાણ કરી. ત્યારબાદ સરપંચ અને અન્ય નાગરિકો સ્થળ પર પહોંચી ગયા.


📱 “અમે ગુગલમાં ગામનું નામ શોધ્યું તો તે પાકિસ્તાનનું નીકળ્યું”



જ્યારે ગ્રામજનોએ તેમનું નામ અને સરનામું પૂછ્યું ત્યારે બન્ને સિંધી ભાષામાં વાત કરતા હતા. છોકરીએ હિન્દીમાં વાત શરૂ કરતા વિશ્વાસ બેસ્યો અને કહ્યું કે તેઓ લસરી ગામના છે. જ્યારે ગામનું નામ ગુગલમાં શોધ્યું ત્યારે તે પાકિસ્તાનના થરપારકર જિલ્લામાં હોવાનું સામે આવ્યું.


💬 “દાદાએ જ હિન્દુસ્તાન ભાગી જવાનું કહ્યું હતું”


છોકરીએ જણાવ્યું કે, “અમે એક જ જ્ઞાતિના છીએ. પરિવાર લગ્ન માટે રાજી નહોતો, તેથી મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પછી મારા દાદાએ જ કહ્યું કે હિન્દુસ્તાન ભાગી જાવ.”

તેમણે રાત્રે ચાંદનીમાં પંથ કાપ્યો, સરહદ પાર કરી, રણના પાણીમાંથી ચાલી અને તરીને આગળ વધ્યા. માર્ગમાં ભોજન પૂરું થઈ જતા વરસાદી પાણી પી ને જીવ બચાવ્યો.


🏜️ 800 મીટર ઊંચી ખડતલ હિલ ચડી


સરપંચના જણાવ્યા મુજબ, બન્નેએ 700થી 800 મીટર ઊંચી અને ખડતલ હિલ ચડી હતી. સવારે 8 વાગ્યે ચડવાનું શરૂ કરી સાંજે 5 વાગ્યે ટોચ સુધી પહોંચ્યા હતા. થાકી જતા ત્યાં સુઈ ગયા અને બીજા દિવસે તળેટીના તળાવમાંથી પાણી પી ને આગળ વધ્યા. આખરે રતનપરની સીમામાં આવીને સુઈ ગયા, જ્યાંથી તેઓ લોકોની નજરે ચડ્યા.


👮 પોલીસ અને સુરક્ષા એજન્સીઓની તપાસ


ખડીર પોલીસ પીઆઇ એમ.એન. દવેના જણાવ્યા મુજબ, હાલ બન્ને પાકિસ્તાની નાગરિક છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. બન્ને સગીર વયના જણાય છે, જેના આધારે મેડિકલ તપાસ કરાશે. બાદમાં તેમને ભુજ સ્થિત જુવેનાઈલ કસ્ટડી (IC Home) ખાતે મોકલવામાં આવશે.


🗓️ કચ્છમાં પહેલાથી આવી ચૂક્યા છે પાક. પ્રેમના કિસ્સા


1. 16 જુલાઈ, 2020 – મહારાષ્ટ્રનો યુવક કરાચીની પ્રેમિકાને મળવા કચ્છની સરહદ પરથી પાકિસ્તાન જવા નીકળ્યો હતો, પરંતુ BSFએ તેને ઝડપ્યો હતો.



2. 25 સપ્ટેમ્બર, 2024 – જમ્મુ-કાશ્મીરનો યુવક પાકિસ્તાનના પંજાબમાં રહેતી યુવતીના એકતરફી પ્રેમમાં ખાવડા બોર્ડર ક્રોસ કરતા ઝડપાયો હતો.




કચ્છની સરહદ માત્ર રણથી ઘેરાયેલી નથી, પરંતુ અહીં વારંવાર પ્રેમ માટેની સાહસિક કહાનીઓ પણ જન્મ લે છે. થરપારકરના આ પ્રેમીપંખીડાઓએ જોખમભર્યા માર્ગે પ્રેમની રાહ પસંદ કરી અને એ સાબિત કરી દીધું કે પ્રેમ માટે કોઈ સરહદ નથી.