રાપર/કચ્છ:
પૂર્વ કચ્છના રાપર શહેરમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા એક ૨૨ વર્ષીય યુવાનની હત્યા નિપજાવવામાં આવી છે. ઘર પાસેથી વાહન ચલાવવા બાબતે થયેલા જૂના ઝઘડાનું મનદુઃખ રાખીને આરોપીએ યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત:
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી શૈલેષભાઇ ભરવાડના મોટા ભાઈ પ્રવિણ જગમાલભાઇ ભરવાડ (ઉ.વ. ૨૨) અને આરોપી નિમેશ કિરીટભા ગઢવી વચ્ચે અગાઉ તારીખ ૧૮/૦૧/૨૦૨૬ના રોજ ઘર પાસેથી વાહન ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી.
તારીખ ૨૫/૦૧/૨૦૨૬ (રવિવાર)ના રોજ સાંજે જ્યારે પ્રવિણ ઘરે પરત ન ફરતા તેનો ભાઈ શૈલેષ તેને શોધવા નીકળ્યો હતો. શોધખોળ દરમિયાન નવાપરા વિસ્તારથી આગળ આવેલ બોયડી કટીંગ સીમ વિસ્તારમાં રાપર નગરપાલિકાના કચરાના ડમ્પિંગ સાઈટ પાસે આરોપી નિમેશ ગઢવી પ્રવિણ સાથે ઝઘડો કરી રહ્યો હતો.
નજર સામે જ હુમલો:
ફરિયાદી શૈલેષ ત્યાં પહોંચ્યો ત્યારે તેણે પોતાની નજર સામે જ આરોપી નિમેશ ગઢવીને તેના ભાઈ પ્રવિણના પેટના નીચેના ભાગે ડાબી બાજુ છરી મારતા જોયો હતો. શૈલેષે બૂમાબૂમ કરતા આરોપી પોતાનું વાહન લઈને ત્યાંથી ભાગી ગયો હતો.
સારવાર દરમિયાન મોત:
ઘટના બાદ ઈજાગ્રસ્ત પ્રવિણને ઘરે લાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં ઈજા ગંભીર ન જણાતા અને પ્રવિણે હોસ્પિટલ જવાની ના પાડતા તેઓ ઘરે જ રહ્યા હતા. પરંતુ બીજા દિવસે (તારીખ ૨૬/૦૧/૨૦૨૬) સવારે લોહી નીકળવાનું ચાલુ રહેતા અને દુખાવો વધતા તેને તાત્કાલિક રાપર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બપોરે ૩:૩૦ વાગ્યાના અરસામાં પ્રવિણનું મૃત્યુ થયું હતું.
પોલીસ કાર્યવાહી:
આ બનાવ અંગે મૃતકના ભાઈ શૈલેષ ભરવાડે આરોપી નિમેશ કિરીટભા ગઢવી વિરુદ્ધ રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧) (હત્યા) અને જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0 ટિપ્પણીઓ