આડેસર, કચ્છ:
કચ્છ પૂર્વ ગાંધીધામ જિલ્લાના આડેસર પોલીસ મથકની હદમાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન દારૂ તથા ગુનામાં વપરાયેલ વાહન મળી કુલ રૂ.25,600નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ આડેસર પોલીસ મથકના કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ અમરાભાઈ કાંદરી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક વ્યક્તિ કોફી કલરની એક્ટીવા પર પલાંસવા તરફથી દારૂ લઈને આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે આડેસર ગામના પુલ નજીક વોચ ગોઠવી શંકાસ્પદ એક્ટીવાને અટકાવી તપાસ કરી હતી.
એક્ટીવાની તલાશી દરમિયાન આગળના ખાનામાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના 180 એમએલના ચાર ક્વાટરિયા મળી આવ્યા હતા. પોલીસે રૂ.600ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ રૂ.25,000ની કિંમતની હીરો કંપનીની એક્ટીવા જપ્ત કરી કુલ રૂ.25,600નો મુદ્દામાલ કબ્જે લીધો છે.
પોલીસે ઘટનાસ્થળેથી નરેન્દ્રભાઇ ઉર્ફે નરૂ ગણેશભાઇ દસાણી (રાજપુત), ઉંમર 36, રહે. પલાંસવા,ની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ આ દારૂનો જથ્થો વીશાલભાઇ શક્તાભાઇ ભરવાડ, રહે. પલાંસવા, પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું.
આડેસર પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ બીજા આરોપીની ધરપકડ માટે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
0 ટિપ્પણીઓ