રાપર: રાપર તાલુકાના ખીરઈ ગામના બાયપાસ રોડ પર શનિવારે રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. પુરપાટ ઝડપે આવતા ડમ્પરે અર્ટિગા કારને ટક્કર મારતાં કારચાલક ગંભીર રીતે ઘાયલ બન્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, 24 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે આશરે 9:45 વાગ્યે ખીરઈ બાયપાસ રોડના વળાંક પાસે આ અકસ્માત સર્જાયો હતો. નલિયા ટીંબા, તા. રાપરના રહેવાસી રઘુવીરસિંહ નોઘુભા જાડેજા (ઉંમર 32) પોતાની અર્ટિગા કાર નંબર GJ-02-BP-9222 લઈને રાપર તરફથી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન સામે તરફથી આવતા ડમ્પર નંબર GJ-36-T-9271ના ચાલકે ગફલતભરી અને ઝડપી રીતે વાહન ચલાવી અર્ટિગા સાથે ભયંકર ટક્કર મારી હતી.
અકસ્માત બાદ આસપાસના લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત રઘુવીરસિંહને રાપર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને બંને હાથ, ડાબા પગ તેમજ છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ રસ્તામાં તબિયત વધુ લથડતાં તેમને ફરી રાપર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરનો ચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે મૃતકના નાના ભાઈ મહેન્દ્રસિંહ નોઘુભા જાડેજા (ઉંમર 30) દ્વારા રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
આ ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
0 ટિપ્પણીઓ