ગાંધીધામ, કચ્છ (પૂર્વ): કચ્છના રાપર તાલુકાના ભીમદેવકા અને ફૂલપરા ગામમાં સોલાર પ્લાન્ટ સ્થાપનાના નામે મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે. આશરે 116 ખેડૂતોની લગભગ 800 એકર જમીન અંગે માલિકોની જાણ અને સંમતિ વગર ખોટા નોટરી કરારો કરવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મામલે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે.
ભીમદેવકા ગામના રહેવાસી અરવિંદભાઈ દજાભાઈ કોલી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓ વિરાભાઈ મોગાભાઈ ભરવાડ (રહે. થોરીયારી), મેરાભાઈ લખુભાઈ ભરવાડ (રહે. કટારીયા જૂના) અને મમુભાઈ ભુરાભાઈ કોલી (રહે. શિકારપુર) એ ગુનાહિત કાવતરું રચીને સોલાર પ્લાન્ટ માટે પ્રતિ એકર રૂ. 4.21 લાખના દરે જમીન વેચાણ બતાવતા ખોટા નોટરી દસ્તાવેજો તૈયાર કર્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ ખાતેદારોને કોઈ જાણ કર્યા વિના બારોબાર કરારો બનાવી પોતાના અંગત ફાયદા માટે આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મામલો સામે આવતા ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે.
પોલીસે આ સમગ્ર મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 61(1), 336(1), 336(2) અને 336(3) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જમીન દસ્તાવેજો, નોટરી કરારો અને સંકળાયેલા અન્ય પુરાવાઓની ચકાસણી ચાલી રહી હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
આ કૌભાંડને લઈને રાપર પંથકમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને ખેડૂતો તરફથી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
0 ટિપ્પણીઓ