ભચાઉ: પત્રકાર મહેશ રાજગોર પર ખોટી FIR, પત્રકાર સમુદાય ઉગ્ર—કોર્ટ સુધી લડતનો સંકલ્પ

 


ભચાઉ, કચ્છ | કચ્છના ભચાઉમાં પત્રકારોના સ્વતંત્ર કામગીરી પર અંકુશ લાવવાના આક્ષેપો સાથે પત્રકાર મહેશ રાજગોર સામે નોંધાયેલી FIR અંગે જિલ્લાભરના પત્રકારોમાં ગુસ્સો અને ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે. અદાણી કંપનીના અધિકારી કમલેશ મોદી દ્વારા દાખલ કરાયેલી આ ફરિયાદને સ્થાનિક પત્રકાર સમુદાયે "પત્રકારોને ચૂપ કરાવવાનો સંગઠિત પ્રયાસ" ગણાવી છે.

કેસની પૃષ્ઠભૂમિ: 200-300 પોલીસની હાજરીમાં 'લૂંટ'નો આરોપ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, કચ્છમાં પહેલીવાર એવો મામલો પ્રકાશમાં આવ્યો છે જ્યાં મામલતદાર, LCB PI, ભચાઉ DSP, સામખિયાળી PI સહિત અંદાજે 200-300 જેટલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં કથિત 'લૂંટ'ની ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આશ્ચર્યજનક રીતે, આ જ મામલામાં સક્રિય રીતે કવરેજ કરતા પત્રકાર મહેશ રાજગોર સામે FIR નોંધાઈ છે, જેને પત્રકાર સમુદાય "રાજકીય અને કોર્પોરેટ સાજિશ" તરીકે જોઈ રહ્યો છે.

80 દિવસનું ખેડૂત-કંપની વિવાદ અને મીડિયા કવરેજ

કચ્છમાં છેલ્લા 80 દિવસથી ચાલી રહેલા ખેડૂતો અને અદાણી કંપની વચ્ચેના વિવાદને સ્થાનિક પત્રકારો લગાતાર જનતા સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા હતા. પત્રકારોના લાઇવ કવરેજ અને સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોઓથી કંપની તરફથી અસ્વસ્થતા દેખાવા લાગી હતી.

સ્થાનિક પત્રકારોનું માનવું છે કે આ મીડિયા કવરેજથી પરેશાન થઈને પત્રકારોને દબાવવા માટે ખોટા કેસોનો માર્ગ પસંદ કરવામાં આવ્યો છે.

અદાણી અધિકારીની ધમકીભરી ટિપ્પણીઓ

કંપની અધિકારી કમલેશ મોદીએ કથિત રીતે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, "ભાઈ, વધારે લાઇવ મૂકો છો... ખોટા વીડિયો વાયરલ કરો છો."



પત્રકારોના જણાવ્યા મુજબ:

"તમે મીડિયાવાળા બધા ખોટા છો" જેવી ટકોરો કરવામાં આવી

પત્રકારોને પ્રત્યક્ષ ધમકીઓ આપવામાં આવી

"ખેડૂત હોવ તો મીડિયા લાઇન મૂકી દ્યો" જેવા વિવાદાસ્પદ જવાબો આપવામાં આવ્યા

પત્રકાર સમુદાયનો સ્પષ્ટ આક્ષેપ છે કે "આ FIR કોઈ સામાન્ય ફરિયાદ નથી, પરંતુ પત્રકારોને દબાવવાનો સંગઠિત પ્લાન છે."

પત્રકાર એસોસિએશનની કડક પ્રતિક્રિયા

કચ્છ જિલ્લા પત્રકાર એસોસિએશન, ભચાઉના સ્થાનિક પત્રકારો અને અનેક મીડિયા સંસ્થાઓએ એકમતે આ FIRનો વિરોધ કરતા કહ્યું છે:

"આ FIR સંપૂર્ણપણે ખોટી છે, કાયદાનો દુરૂપયોગ થયો છે અને પત્રકારોના મૂળભૂત અધિકારો પર સીધો હુમલો છે."

એસોસિએશને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે:

"પત્રકારો પર ખોટા કેસની રાજનીતિ હવે નહીં ચાલે"

જો જરૂરી પડે તો હાઈકોર્ટ સુધી કાનૂની લડત ચલાવવામાં આવશે

પત્રકાર સ્વતંત્રતા માટે અંત સુધી સંઘર્ષ કરવાનો સંકલ્પ

મીડિયા સ્વતંત્રતા પર પ્રશ્નાર્થ

આ ઘટના માત્ર એક FIRની વાત નથી, પરંતુ કચ્છમાં પત્રકારોની સ્વતંત્ર કામગીરી પર થતા દબાણનો પ્રશ્ન છે. જ્યારે કોર્પોરેટ હિતો અને સ્થાનિક વિવાદ વચ્ચે પત્રકારો નિષ્પક્ષ રીતે વાત પહોંચાડવાનું કામ કરે છે, ત્યારે આવા કેસો મીડિયા સ્વતંત્રતા માટે ગંભીર આઘાત છે.

પત્રકાર સમુદાયે આ મામલે સંપૂર્ણ એકતા દર્શાવી છે અને ન્યાય મળે ત્યાં સુધી લડતનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ