ભચાઉ કોર્ટે હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારી રાપર તાલુકાના મોમાયમોરામાં નિદ્રાધીન યુવકની નિર્મમ હત્યા કરનાર પિતરાઈ ભાઈને સખ્ત સજા

 

ભચાઉ: ભચાઉની સેશન્સ કોર્ટે સતત ત્રીજા દિવસે હત્યાના ગુનામાં આરોપીને સખ્ત સજા ફટકારતા, રાપર તાલુકાના મોમાયમોરા ગામમાં ૨૦૨૧માં બનેલા હત્યાકાંડમાં આરોપી મહેશ શિવરામ વેણવા (30) ને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.

ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલિપ તિવારીએ આરોપીને IPC કલમ 302 હેઠળ દોષિત ઠરાવતા સખ્ત આજીવન કારાવાસની સજા ફટકારી છે. આરોપીને ₹5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

ગુનાની વિગતો:

10 ફેબ્રુઆરી 2021ના રોજ પરોઢે 4 વાગ્યાના સુમારે મોમાયમોરા ગામની સીમમાં આવેલી એક ઝૂંપડીમાં આ ભયાનક ઘટના બની હતી. મૃતક દેવાભાઈ દયારામભાઈ મારાજ (30, બ્રાહ્મણ) પોતાની પત્ની રેખા અને ચાર સંતાનો સાથે મોહન ધરમશી સુંબડની વાડી નજીકની ઝૂંપડીમાં સૂતા હતા.

અંધારાનો લાભ લઈ હાથમાં છરી લઈને આવેલા પિતરાઈ ભાઈ મહેશે નિદ્રાધીન દેવાની છાતી પર ચડી જઈ તેના પેટ, છાતી, મોં, હાથ અને પીઠ પર કુલ 37 જેટલા છરીના ઘા વડે સ્થળ પર જ હત્યા કરી નાખી હતી. પતિને બચાવવા માટે વચ્ચે પડેલી રેખાને પણ હાથની આંગળીમાં ઈજા પહોંચી હતી.

રેખાના રાડારાડ સાંભળી અડધા કિલોમીટર દૂર જીરાના પાકનું રખોપું કરતો મોટો ભાઈ શૈલેષ ત્યાં દોડી આવ્યો હતો. શૈલેષને જોઈ મહેશ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

હત્યા પાછળનું કારણ:

બનાવના એક વર્ષ પૂર્વે સૂવાની બાબતને લઈને મહેશ અને દેવા વચ્ચે ઝઘડો થયો હતો. આ જૂની અદાવતનો ખાર રાખીને મહેશે પોતાના પિતરાઈ ભાઈની પત્ની અને ચાર નાના બાળકોની નજર સમક્ષ ક્રૂરતાથી હત્યા આચરી હતી. મૃતક દેવો, મોટો ભાઈ શૈલેષ અને આરોપી મહેશ ત્રણેય વરણું ગામના રહેવાસી છે.

કાનૂની કાર્યવાહી:

શૈલેષે આડેસર પોલીસ સ્ટેશનમાં મહેશ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં 26 સાક્ષીઓ અને 23 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને દોષિત ઠરાવ્યો હતો.

સરકાર તરફથી એડવોકેટ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજા અને એમ.આર. જાડેજાએ દલીલો રજૂ કરી હતી. આડેસરના તત્કાલીન PSI વાય.કે. ગોહિલે તપાસ હાથ ધરી હતી. ધરપકડ બાદથી આરોપી મહેશ જેલમાં જ કેદ છે.

સતત ત્રીજો કેસ:

નોંધનીય છે કે ભચાઉ કોર્ટે સતત ત્રીજા દિવસે હત્યાના ગુનામાં સજા જાહેર કરી છે. ગુરુવારે ભચાઉમાં મોબાઈલ ફોન લૂંટવા યુવકની હત્યા કરનાર શબ્બિર ભટ્ટીને આજીવન કેદની સજા થઈ હતી. શુક્રવારે રાપરના ધબડા ગામમાં આધેડની હત્યા મામલે પિતા અને તેના બે પુત્રોને સજા ફટકારવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ