જુના ચિત્રોડ ગામમાં પતિના અત્યાચારથી ત્રસ્ત એક સ્ત્રીએ ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નાથીબેન સુરાભાઈ રાઠોડે જણાવ્યું કે તેમના લગ્નને લગભગ 25 વર્ષ થયા છે, પરંતુ સંતાન ન થતા પતિ મંગરાભાઈ ભીખાભાઈ ધૈયડાનું વર્તન વર્ષોથી ખરાબ થતું ગયું. તે મેણા-ટોણાના બહાને અપશબ્દો બોલતો અને મારપીટ કરતો. નાથીબેન મજૂરી કરીને જીવન ચલાવે છે, છતાં સમાજના કોઈએ વચ્ચે પડી સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો ન હતો.
જ્યારે નાથીબેન પિતાના ઘરે રહેવા આવી, ત્યારે પતિ ત્યાં પણ દારૂના નશામાં આવીને ત્રાસ આપતો. 13 નવેમ્બરની સવારે વાસણ સાફ કરતી વખતે મંગરાભાઈ છરી લઈને ઘરમાં ઘૂસ્યો અને નાથીબેનને ઘસેડીને બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો. તે સમયે નાથીબેનની માતા કુવરબેન, ભાભી શાંતિબેન અને ભત્રીજી પાયલ હાજર હતા. ત્રણેયે દોડી આવીને તેને બચાવ્યા.
પછી નાથીબેનના ભાઈ ઘરે આવ્યા અને આરોપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મંગરાભાઈ વધુ ઉશ્કેરાઈ ગયો અને ધક્કો મારીને મારપીટ કરી. તેણે નાથીબેનને લોદ્રાણી લઈ જવાની અને રસ્તામાં કોઈ આવે તો છરી મારવાની પણ ધમકી આપી.
આ સતત ધમકીઓ અને હિંસા વચ્ચે જીવવું મુશ્કેલ બન્યું હોવાની નોંધ સાથે નાથીબેનએ ગાગોદર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.
0 ટિપ્પણીઓ