ભુજમાં મહિલા પોલીસ પર પતિનો જીવલેણ પ્રયાસ, એ-ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ



ભુજ શહેરના એરપોર્ટ રોડ પર આવેલા 36 ક્વાર્ટરમાં રહેતી મહિલા પોલીસ કર્મચારી પર તેના જ પતિએ ગંભીર અત્યાચાર કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે પતિએ મહિલા પર પેટ્રોલ છાંટી રૂમને બહારથી બંધ કરી ગેસનો ચૂલો ચાલુ કરી તેને સળગાવી દેવાની કોશિશ કરી હતી. આ ઘટનાને લઈને ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે પતિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.


ફરિયાદી કિરણબેન અલ્ફાઝ ઇકબાલ પંજા નલિયા પોલીસ સ્ટેશનમાં એલઆર મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમની ઓળખ અમદાવાદ રથયાત્રા દરમિયાન પતિ અલ્ફાઝ ઇકબાલ પંજા સાથે થઈ હતી, જે હાલ ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. બંનેના લગ્ન પરિવારની સહમતીથી અમરેલી ખાતે થયા હતા અને બાદમાં માતાની સારવાર માટે ભુજમાં 36 ક્વાર્ટરમાં રહેવાનું નક્કી થયું હતું.


ફરિયાદ મુજબ પતિ લાંબા સમયથી નોકરી અને ઘરકામ બાબતે શંકા કરી ગાળો આપતા અને મારપીટ કરતા હતા. તાજેતરમાં મતદાન યાદી સુધારણા માટે રજા લઈને ઘરે રહેલા સમયે પતિના મોબાઇલમાં શેરબજારમાં રોકાણ કરેલું જોતા મહિલાએ રોકાણ ન કરવા કહી હતી, જે બાદ પતિ ઉશ્કેરાઈ ગયો અને હિંસક થયો હતો.


આરોપ છે કે પતિએ પેટ્રોલ ભરેલી બોટલ લઈ પત્ની પર ઢોળી, માતા વચ્ચે પડતાં તેને પણ ધક્કો માર્યો હતો. બાદમાં બંનેને રૂમમાં પૂર્યા રાખી ગેસ ચાલુ કરી બહારથી દરવાજો બંધ કરી દીધો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નીકળી ગયો હતો. ગેસની વાસથી ગભરાઈ ફરિયાદીએ બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને ગેસ બંધ કરી બંનેને બહાર કાઢ્યા હતા.


આ સમગ્ર ઘટનાને લઈ ભુજ એ-ડિવિઝન પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ