"રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-૧ પરીક્ષાની જાહેરાત, અરજી પ્રક્રિયા ૨૯ ઓક્ટોબરથી શરૂ"

 




રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧થી ૫માં શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૧૪ ડિસેમ્બરે ટેટ-૧ની પરીક્ષા લેવામાં આવશે. આ અંગે રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ઉમેદવારો ૨૯ ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકશે અને ૧૨ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે. ફી ભરવાની પ્રક્રિયા પણ ૨૯ ઓક્ટોબરથી શરૂ થશે અને ૧૪ નવેમ્બર સુધી ચાલુ રહેશે. હાલ રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષાની સંભવિત તારીખ ૧૪ ડિસેમ્બર જાહેર કરી છે.


જાહેરનામા મુજબ, ટેટ-૧ની પરીક્ષા શિક્ષક તરીકે ધોરણ ૧થી ૫માં નિમણૂક માટે જરૂરી છે. જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક તથા વિદ્યાસહાયકની નિમણૂક માટે શિક્ષણ વિભાગે નક્કી કરેલા ધોરણો મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડને આ પરીક્ષા યોજવાની સત્તા આપવામાં આવી છે. પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ અને જિલ્લા શિક્ષણાધિકારી મારફતે નક્કી કરાયેલા જિલ્લાઓમાં કરવામાં આવશે.


ઉમેદવારોએ આ પરીક્ષા માટે નક્કી કરેલી શૈક્ષણિક અને તાલીમી લાયકાત મેળવવી જરૂરી છે. ઉમેદવાર ઓછામાં ઓછો ધોરણ ૧૨ પાસ હોવો જોઈએ, સાથે બે વર્ષનો પી.ટી.સી. કોર્ષ અથવા ચાર વર્ષનો બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed.) અથવા બે વર્ષનો ડિપ્લોમા ઈન એજ્યુકેશનનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.


ટેટ-૧ની પરીક્ષા બહુવિકલ્પ પ્રકારની હેતુલક્ષી પરીક્ષા રહેશે, જેમાં કુલ ૧૫૦ પ્રશ્નો રહેશે અને સમય ૧૨૦ મિનિટનો હશે. દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે. ફી બાબતે, સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ.૩૫૦ ભરવાના રહેશે જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોએ રૂ.૨૫૦ ભરવાના રહેશે.


ટેટ-૧ની જાહેરાત બાદ હવે આગામી દિવસોમાં ટેટ-૨ની પરીક્ષાનું જાહેરનામું પણ બહાર પડે તેવી શક્યતા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ