રાપર તાલુકાના ચિત્રોડ-ગાગોદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલી વરૂડી માતાજીની જગ્યા અને પડતર ગૌચર જમીન પર આશરે ૧૫થી ૨૦ ઈંટના ભઠ્ઠા બનાવવામાં આવ્યા છે, જેના કારણે પશુઓનું ચરિયાણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. આ અંગે ગાગોદર ગોપાલક વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.
મંડળીના પ્રમુખ ધારાભાઈ ભરવાડે રજૂઆતમાં જણાવ્યું કે, આ સ્થળે હજારો ઘેટાં, બકરાં અને ગાયો બેસતા હતા, પરંતુ અસામાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે દબાણ કરી પશુઓ માટેની જમીન કબજે લીધી છે. વધુમાં દબાણકારો દ્વારા ચિત્રોડથી ગાગોદર નર્મદા લાઈનમાંથી પાણી ચોરી કરવામાં આવે છે અને ગાગોદર-પલાંસવા લાઈનમાં બિનકાયદેસર જોડાણ લીધાં છે. ઈંટો માટેની માટી પણ ગાગોદર ભોળા પાદર ગૌચરમાંથી ખોદી લેવામાં આવે છે.
મંડળીએ ચેતવણી આપી છે કે જો આગામી ૪૫ દિવસમાં આ દબાણો દૂર નહીં કરવામાં આવે, તો ગાગોદર, મેવાસાર અને કીડિયાનગરના માલધારીઓ ભઠ્ઠા સામે ઉપવાસ આંદોલન પર બેસશે.
પવનચક્કી માટે જમીન હડપવાના પ્રયાસનો વિરોધ
ગાગોદર અને કાનમેર ગામના માલધારી તેમજ ખેડૂતોએ જણાવ્યું છે કે પવનચક્કી પ્રોજેક્ટના બહાને કેટલાક લોકો ધમકાવીને તેમની જમીન હડપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ ગાગોદર દ્વારા વિરોધ નોંધાવી ભચાઉના પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
0 ટિપ્પણીઓ