રાપર: શહેરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી ગટરની સમસ્યાએ રહેવાસીઓનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. આથમણાં નાકા, એપીએમસી રોડ અને ત્રંબો ચોકડી વિસ્તારની ગટરો ઉભરી જતા રસ્તાઓ પર ગંદા પાણીની નદીઓ વહી રહી હતી. દુર્ગંધ અને મચ્છરોનાં ઉપદ્રવથી લોકો આરોગ્યની ચિંતામાં મુકાયા હતા.
સ્થાનિકોએ અનેક વખત નગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆતો કરી હતી, છતાં સમસ્યાનો ઉકેલ મળતો ન હતો. આ બાબતે રાપર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે જાહેરમાં તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “જો જનતાની સમસ્યાઓ પર અવાજ ઉઠાવી શકતા નથી, તો ચુંટણી લડવાનો કોઈ અધિકાર નથી.” સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો ૪૮ કલાકમાં ગટર સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો નગરપાલિકા કચેરીએ ધરણા પર બેસી રહેશે.
કોંગ્રેસ પ્રમુખની આ ચિમકી બાદ નગરપાલિકા હરકતમાં આવી હતી. ગણતરીના કલાકોમાં સુધરાઈ વિભાગે તમામ સંસાધનો સાથે કામગીરી શરૂ કરી હતી. સુધરાઈના પ્રમુખ ખુદ સ્થળ પર પહોંચીને દેખરેખ રાખી હતી, જ્યારે અશોકભાઈ રાઠોડે પણ સ્થળ પર જઈ કામનું નિરીક્ષણ કર્યું અને ત્વરિત પગલાં બદલ પાલીકાનો આભાર વ્યક્ત કર્યો.
બે મહિનાથી મુશ્કેલી ભોગવી રહેલા રહેવાસીઓએ સમસ્યાનો ઉકેલ લાવવા બદલ અશોકભાઈ રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ આખી ઘટનાએ રાપરના રાજકારણમાં ચર્ચા જગાવી દીધી છે — લોકો વચ્ચે હવે ચર્ચાનો વિષય એ છે કે જ્યારે અનેક રજૂઆતો છતાં ભાજપના પ્રતિનિધિઓ ઉકેલ ન લાવી શક્યા, ત્યારે કોંગ્રેસના યુવા નેતા અશોક રાઠોડની એક જ ચિમકીથી કામ થવું “ટોક ઓફ ધ ટાઉન” બની
ગયું છે.


0 ટિપ્પણીઓ