રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની જિલ્લા પંચાયત સમક્ષ રજૂઆત કચ્છમાં શિક્ષકોને પ્લોટ કે ક્વાર્ટર ફાળવવાની તથા રાપરમાં નવોદય વિદ્યાલય શરૂ કરવાની માગ

 



કચ્છ : જિલ્લા પંચાયત તથા શિક્ષણ વિભાગના સંકલનથી કચ્છ જિલ્લામાં ટૂંક સમયમાં શિક્ષકોની વિશાળ સંખ્યામાં નવી ભરતી થવાની છે. તે પૂર્વે શિક્ષકોને રહેવા માટેની સુવિધા અને ઉચ્ચ શિક્ષણ માટેના સંસ્થાનોની જરૂરિયાત અંગે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.


જિલ્લા પંચાયતના પ્રમુખને પાઠવાયેલા આવેદનમાં સંઘના પ્રમુખ ભરત પરમારએ જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક મકાનની ગંભીર તંગી છે, જેના કારણે નવા તેમજ હાલના શિક્ષકોને રહેવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલીક જગ્યાએ જાતિ આધારિત કે અન્ય કારણોસર મકાન મેળવવામાં અડચણો ઉભી થાય છે. તેથી રાજ્ય સરકાર તથા જિલ્લા પંચાયત દ્વારા કચ્છ જિલ્લામાં કાર્યરત તમામ શિક્ષકોને રહેણાંક માટે પ્લોટ ફાળવી આપવામાં આવે અથવા તો સરકારી ક્વાર્ટર બાંધવાની યોજના હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠાવવામાં આવી છે.


તેમજ રાપર અને ભચાઉ તાલુકા "અતિપછાત વિસ્તાર" તરીકે ગણાતા હોવાથી અહીં શિક્ષણના સ્તર સુધારવા માટે નવોદય વિદ્યાલયની જરૂરિયાત હોવાનું પણ સંઘ દ્વારા રજૂ કરાયું છે. હાલ કચ્છમાં એકમાત્ર જવાહર નવોદય વિદ્યાલય ડુમરા ખાતે કાર્યરત છે, જે રાપરથી આશરે 230 કિલોમીટર દૂર છે. આ અંતર વિદ્યાર્થીઓ માટે મોટી અડચણરૂપ બની રહ્યું છે.


રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે ગુજરાત સરકારને વિનંતી કરી છે કે રાપર તાલુકામાં નવા જવાહર નવોદય વિદ્યાલયની ફાળવણી માટે કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવે, જેથી રાપર અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ મળી શકે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ