ભુજ તાલુકાના સામત્રા ગામે એક ચોંકાવનારી ઘટના બની છે. ગામના 60 વર્ષના ધનજીભાઈ ઉર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈ (પટેલ)ને તેમની બીજી પત્નીએ કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો છે. ગંભીર રીતે દાઝેલા ધનજીભાઈ હાલ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માનકૂવા પોલીસે આ મામલે ધનજીભાઈની પત્ની કૈલાસ કનુસિંહ ચૌહાણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર, ધનજીભાઈની પ્રથમ પત્નીનું ચાર વર્ષ પહેલાં અવસાન થયું હતું. દોઢ વર્ષ પહેલાં તેમણે મહેસાણા જિલ્લાના હીરપુરા ગામની કૈલાસ ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. કૈલાસના પણ પહેલાં પતિ સાથે છૂટાછેડા થયેલા હતા.
લગ્ન બાદ કૈલાસે ધનજીભાઈની પહેલી પત્નીના આશરે 18 તોલા સોનાના ઘરેણાં પોતાના કબજામાં લઈ લીધાં હતાં અને પાછાં આપવાની ના પાડતી હતી. વારંવાર રૂપિયા માગીને ઝઘડા કરતી અને ભુજમાં મકાન લેવા માટે પતિ પાસેથી રૂપિયા કાઢતી. રૂપિયા આપવાનો ઈન્કાર કરતા ધનજીભાઈને મારી નાખવાની ધમકીઓ પણ આપતી હતી.
ગઈકાલે સાંજે રૂપિયા માગવાના મુદ્દે ફરી ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવી કૈલાસે ધનજીભાઈને ખેંચીને ગેરેજમાં લઈ ગઈ, કેરોસીન છાંટ્યું અને દિવાસળી ફેંકી દીધી. ધનજીભાઈ બળવા લાગતાં તે દરવાજો બંધ કરીને બહાર નીકળી ગઈ. ધનજીભાઈની બૂમો સાંભળીને પુત્ર કપિલ અને પાડોશીઓ દોડી આવ્યા અને તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા.
તબીબોના જણાવ્યા મુજબ ધનજીભાઈને 90 ટકા દાઝવાના ઈજા થયેલા છે. પોલીસએ તેમના નિવેદનના આધારે કૈલાસ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેને ઝડપી લેવામાં આવી છે. બનાવની વધુ તપાસ માનકૂવા પોલીસના ઈન્ચાર્જ પી.આઈ. પી.પી. ગોહિલ કરી રહ્યા છે.

0 ટિપ્પણીઓ