દર વર્ષે 5 સપ્ટેમ્બરએ આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવીએ છીએ. આ દિવસ આપણને માત્ર આપણા શિક્ષકોને આદર આપવા માટે જ નહીં, પરંતુ શિક્ષણ ક્ષેત્રે અદભૂત યોગદાન આપનાર મહાન વ્યક્તિઓને યાદ કરવાનો અવસર આપે છે. આવા પાયોનિયર તરીકે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા ગણાતી સાવિત્રીબાઈ ફૂલે અને તેમની સાથી ફાતિમા શેખનું નામ ઇતિહાસના પાનાંઓમાં અક્ષરાંકીિત છે.
સાવિત્રીબાઈ ફૂલે (1831–1897) એ સમયગાળામાં જીવ્યાં જ્યારે છોકરીઓનું શિક્ષણ અશક્ય માનવામાં આવતું હતું. સમાજના વિરોધ, ઉપહાસ અને તિરસ્કાર છતાં તેઓએ 1848માં પૂણેમાં પ્રથમ કન્યાશાળા શરૂ કરી. શાળાએ જતા સમયે લોકો તેમના પર કાદવ અને પથ્થર ફેંકતા, છતાં તેઓ રોજ સવારે બીજા કપડાં લઈને જતાં જેથી શાળાએ પહોંચી ફરી સ્વચ્છ કપડાંમાં પાઠ ભણાવી શકે. તેમના આ અડગ સંકલ્પથી અસંખ્ય દીકરીઓએ શિક્ષણનો માર્ગ મેળવ્યો.
સાવિત્રીબાઈની આ યાત્રામાં સૌથી મોટું યોગદાન આપ્યું ફાતિમા શેખ (1831–1890) એ. મુસ્લિમ સમાજની આ બહાદુર મહિલા માત્ર સહાયક જ નહોતી, પરંતુ ખુદ શિક્ષિકા બનીને છોકરીઓ અને પીડિત વર્ગના બાળકોને શિક્ષણ આપતી. તેમણે પોતાના ઘરમાં જ શાળા શરૂ કરવા માટે જગ્યા આપી અને સમાજની આડેધડ ટીકા છતાં દીકરીઓના શિક્ષણ માટે અડગ રહી.
સાવિત્રીબાઈ અને ફાતિમા શેખ બંનેએ સમાજને સાબિત કરી બતાવ્યું કે શિક્ષણ કોઈ એક જાતિ, વર્ગ કે લિંગ માટે મર્યાદિત નથી. તેઓએ છોકરીઓ અને દલિત-ગરીબ બાળકોને શીખવાડીને સમાનતાનું બીજ વાવ્યું.
આજે જ્યારે આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ, ત્યારે માત્ર આપણા શિક્ષકોનો આભાર માનવો પૂરતો નથી, પરંતુ એવા મહાન લોકોનું સ્મરણ કરવું જોઈએ જેમણે શિક્ષણના હક્ક માટે લડત આપી. સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખે જે દીવો પ્રગટાવ્યો, એ જ દીવાના પ્રકાશથી આજે લાખો દીકરીઓ ભણવા જઈ શકે છે અને સમાજના દરેક વર્ગના બાળકો શિક્ષણ મેળવી શકે છે.
શિક્ષક દિવસના આ પ્રસંગે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે શિક્ષણનો પ્રકાશ દરેક બાળક સુધી પહોંચાડવા માટે પોતાનો ફાળો આપશું. કેમ કે સાચો શ્રદ્ધાંજલિ તો એ જ છે કે આપણે તેમના સ્વપ્નોને આગળ વધારીએ.

0 ટિપ્પણીઓ