શિવગઢ–ફતેગઢ માર્ગ પર અકસ્માત : વિકલ્પ માર્ગ બિસ્માર હાલતમાં, ભારે વાહન બાવળની જાડિયામાં ફસાયું


 વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રોએ તાત્કાલિક પગલાં લેતા જે બ્રિજ અને પુલો ખરાબ હાલતમાં હતા તેને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. એ જ પગલાં હેઠળ રાપર તાલુકામાં પણ રાપરથી બાલાસર જતાં માર્ગ પર આવેલી ખારી નદીનો પુલ, જેની હાલત ખૂબ જ ખરાબ હતી, તેને બંધ કરી દેવાયો.


પુલ બંધ થતાં રાપર–બાલાસર વચ્ચેની સીધી અવરજવર થંભી ગઈ. પરિણામે વિકલ્પ રૂપે શિવગઢ–ફતેગઢ–સલારી માર્ગને વાહનવ્યવહાર માટે નક્કી કરવામાં આવ્યો. ખડીર વિસ્તારના બાર ગામો ઉપરાંત બાલાસર, જાટાવાડા, બેલા અને આસપાસની નાની મોટી વાંઢોના લોકો રાપર જવા–આવવા આ માર્ગનો ઉપયોગ કરવા લાગ્યા. શરૂઆતમાં આ રસ્તો સુવિધાજનક લાગ્યો હતો, પરંતુ ભારે વાહનોના સતત ભારને કારણે રસ્તાની હાલત ઝડપથી બિસ્માર થવા લાગી. ખાડા, ઊંચા–નીચા ભાગો અને ખરાબ ટાયરિંગને કારણે વાહનચાલકોને રોજ તકલીફોનો સામનો કરવો પડે છે.


ગઈકાલે સાંજે લગભગ 9થી 10 વાગ્યાની વચ્ચે આ બિસ્માર હાલતના કારણે ગંભીર અકસ્માત સર્જાયો. શિવગઢ ગામ નજીક આવેલા શિવ મંદિર પાસે એક ભારે વાહન ખરાબ રસ્તાને કારણે કાબૂ ગુમાવી બેઠું. વાહન રસ્તેથી નીચે ઉતરી જતાં સીધું બાવળની જાળીઓમાં ફસાઈ ગયું. વાહન ગંભીર રીતે ફસાઈ ગયેલું હોવા છતાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, જે સ્થાનિકો માટે રાહતની બાબત બની.  અને વાહન આજે બપોરે 12 વાગ્યા ની આસપાસ ત્યાંથી કાઢી લેવામાં આવ્યું હતું. જો કે આ ઘટનાએ તંત્રની બેદરકારીને લઈને ફરીથી ચર્ચાઓ ગરમાવી દીધી છે.


સ્થાનિક લોકોનું કહેવું છે કે ખારી નદીનો પુલ બંધ કરવો યોગ્ય નિર્ણય હતો, પરંતુ તેના વિકલ્પ રૂપે નક્કી કરાયેલ શિવગઢ–ફતેગઢ માર્ગનું યોગ્ય જતન કરવું અત્યંત જરૂરી હતું. ભારે વાહનોનો ભાર સહન ન કરી શકતા આ રસ્તો હવે અકસ્માતપ્રવણ બની ગયો છે. લોકોની સ્પષ્ટ માગ છે કે તંત્ર તાત્કાલિક સમારકામ અને મરામતનું કાર્ય હાથ ધરે, નહિંતર આવનારા દિવસોમાં વધુ ગંભીર દુર્ઘટનાઓ બનવાની શક્યતા છે.


આ સમગ્ર ઘટનાએ એક બાબત સ્પષ્ટ કરી છે કે વિકલ્પ માર્ગ આપવો પૂરતો નથી, તેના જતન અને સલામતી પર પણ તંત્રએ ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ. હાલ તો લોકો મુશ્કેલીમાં મુસાફરી કરી રહ્યા છે અને તંત્ર દ્વારા ઝડપી પગલાં લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ