કચ્છ જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ચિંતાજનક રીતે ઊંચે જઈ રહ્યો છે. શાંતિપ્રિય ગણાતા આપણા પ્રદેશમાં હવે લૂંટ, અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ જાણે સામાન્ય બની ગયા હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી અને સામાન્ય નાગરિકોથી લઈને વેપારીઓ અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે. ગુનાખોરીના આ વધતા વ્યાપનો વધુ એક ભયાનક અને સનસનાટીભર્યો કિસ્સો ગાંધીધામમાં સામે આવ્યો છે, જ્યાં ધોળે દિવસે એક શિપિંગ વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ કરી તેમની પાસેથી લાખો રૂપિયાની ખંડણી વસૂલવામાં આવી છે.
ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, અંજારના વર્ષામેડી સીમમાં રહેતા અને ગાંધીધામના આસોપાલવ આર્કેડમાં કન્ટેનર ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ૪૪ વર્ષીય દિલીપભાઈ ગોકળદાસ મજેઠીયા (ઠક્કર) ગત તારીખ ૨૧/૦૭/૨૦૨૬ ના રોજ બપોરે સવા બારેક વાગ્યે પોતાની ઓફિસે જવા પાર્કિંગમાં પહોંચ્યા હતા. ત્યાં અગાઉથી સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કારમાં બેઠેલા જાવેદ નામના શખ્સે તેમને બોલાવ્યા હતા. દોઢેક વર્ષ અગાઉ મિત્ર મારફતે ઓળખાણ થઈ હોવાથી જાવેદે દિલીપભાઈને વિશ્વાસમાં લઈ કહ્યું હતું કે, "આપણે હર્ષ સહદાદપુરી પાસેથી રૂપિયા લેવાના છે, આવો ગાડીમાં બેસો આપણે તેને મળતા આવીએ".
દિલીપભાઈ કારમાં બેસતા જાવેદે ટાગોર રોડ તરફ ગાડી હંકારી હતી અને રસ્તામાં બીજા બે અજાણ્યા માણસો કારમાં આવીને બેઠા હતા. હર્ષ સપનાનગરમાં હોવાનું કહી આરોપીઓ દિલીપભાઈને સપનાનગર ખાતે આવેલ એક રહેણાંક મકાનમાં લઈ ગયા હતા. મકાનમાં પહોંચતા જ હાજર બે અજાણ્યા માણસોએ દિલીપભાઈના બંને હાથ પ્લાસ્ટિકથી બારી સાથે બાંધી દીધા હતા. ત્યારબાદ જાવેદે આવીને કહ્યું હતું કે, "મારે હર્ષ પાસે કોઈ રૂપિયા લેવાના નથી પણ મારે તારી પાસેથી રૂપિયા લેવાના છે". આટલું કહી જાવેદે વેપારીનો શર્ટ ઊંચો કરી, પેન્ટ કાઢી નાખી લાકડાના ધોકા વડે ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તથા મા-બેન સમી ભુંડી ગાળો આપી હતી.
ત્યારબાદ બે અજાણ્યા માણસોએ વેપારીને પકડી રાખ્યા હતા અને જાવેદે ગળા પર છરી રાખી "૨૦ લાખ રૂપિયા આપવા પડશે નહીંતર તને અહીંયા જ જાનથી મારી નાખશું" તેવી ધમકી આપી હતી. જીવના જોખમે ડરી ગયેલા દિલીપભાઈએ ગાંધીધામના પી.એમ. આંગડિયા વાળા કલ્પેશભાઈ હાલાણીને ફોન અને વોટ્સએપ મારફતે સંપર્ક કર્યો હતો. જાવેદે આપેલા સોહિલ નામના વ્યક્તિના મોબાઈલ નંબર પર ૨૦ લાખ રૂપિયા આપવાનું જણાવતા, જાવેદ સાથેનો એક અજાણ્યો શખ્સ આંગડિયા પેઢીમાં જઈને ૨૦ લાખ રૂપિયા રોકડા લઈ આવ્યો હતો.
રૂપિયા હાથમાં આવી જતાં આરોપીઓ દિલીપભાઈને અન્ય સફેદ કલરની આઈ-૧૦ જેવી ગાડીમાં બેસાડી ઓસ્લો સિનેમા ચાર રસ્તા પાસે ઉતારી ગયા હતા. જતાં-જતાં જાવેદે "જો આ બનાવ બાબતે કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી હતી. અંતે ભોગ બનનાર વેપારીએ પોતાની પત્ની તૃપ્તીબેનને ફોન કરી બોલાવ્યા હતા અને પોલીસ મથકે પહોંચી જાવેદ તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ મામલે બી.એન.એસ. કલમ ૩૦૮(૫), ૬૧(૨), ૩૫૧(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૧૨૭(૭) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની સઘન તપાસ પીએસઆઈ જે.ડી. પરમારને સોં
પી છે.

0 ટિપ્પણીઓ