રાપર તાલુકા સહિત વાગડ વિસ્તારમાં ડીએપી અને યુરિયા ખાતરની ગંભીર અછત સર્જાઈ હોવાથી ભારતીય કિસાન સંઘ, રાપર તાલુકા દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું.
સંઘના હોદેદારોએ જણાવ્યું હતું કે રવિ સિઝનના વાવેતરનો સમય ચાલી રહ્યો છે અને ખેડૂતોને જીરૂ, રાયડો, ઘઉં, ઈસબગુલ, વરિયાળી તેમજ એરંડા જેવા પાકો માટે રાસાયણિક ખાતરની તાત્કાલિક જરૂર છે. હાલ ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
આવેદનમાં જણાવાયું હતું કે જો ખાતરનો પુરવઠો સમયસર ન થાય તો ખેડૂતોને વાવેતર મોડું કરવું પડશે અથવા મજબૂરીમાં નકલી ખાતર ખરીદવું પડશે, જેના કારણે પાકના ઉત્પાદન પર સીધી અસર થશે.
સંઘે મામલતદાર એચ.બી. વાઘેલાને રાપર અને આજુબાજુના વિસ્તારો માટે ડીએપી અને યુરિયા ખાતરનો વિશેષ જથ્થો ફાળવવાની માંગ કરી છે. સાથે જ એમ પણ નોંધાયું હતું કે, દર વર્ષે આવી અછત સર્જાય છે અને ચાર મહિના પહેલા પણ આ બાબતે સત્તાવાર રીતે ધ્યાન દોરવામાં આવ્યું હતું, છતાં હાલ સ્થિતિ યથાવત છે.
ખેડૂતોને રાહત મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી સંઘે માંગણી કરી છે.
0 ટિપ્પણીઓ