આડેસર તળાવડીમાં મશીન મુદ્દે વિવાદ, વકીલ પર હથિયારોથી જીવલેણ હુમલો

 રાપર તાલુકાના આડેસર વિસ્તારમાં તળાવડીમાં મશીન મૂકવાના મુદ્દે ઉભા થયેલા વિવાદે હિંસક સ્વરૂપ લીધું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાપરના વરણુ ગામના રહીશ અને વ્યવસાયે વકીલ ભાવેશ કાશીરામ મારાજે આ મામલે આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


ફરિયાદ પ્રમાણે, ગત તા. 23/11ના રોજ તેઓ પોતાના ખેતરે હાજર હતા ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, જેમાં સામેથી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે સરકારી તળાવડીમાં મૂકેલ મશીન અને ત્યાં ફિટ કરેલા સીસીટીવી કેમેરા મોબાઈલમાં ચેક કરતાં કેટલાક શખ્સો કેમેરા તોડી મશીન તળાવડીમાં ફેંકતા નજરે પડ્યા હતા.


પરિસ્થિતિ ગંભીર હોવાનું સમજી તેમણે તાત્કાલિક 112 પર કોલ કર્યો હતો. પોલીસને સ્થળ પર બોલાવી રેકોર્ડિંગ સંભળાવ્યું અને ધમકી આપનાર નંબર આપતા તે દલા આયર હોવાનું જાણવા મળ્યું.


આ બનાવ અંગે પિતા-પુત્રે પોલીસ મથકે અરજી આપ્યા બાદ તેની ઝેરોક્ષ કરાવવા ગામ તરફ જતા હતા, ત્યારે રસ્તામાં આરોપીઓ ભરત નોઘા આયર, દલા નોઘા આયર, હાજા નોઘા આયર, દયાલ કોળી, નરસી ખેંગા કોળી, જીવણ માદેવા, ભોજા માદેવા અને કરશન માદેવા પ્રાણઘાતક હથિયારો સાથે સામે આવી ગયા હતા. તલવાર, લાકડી, કુહાડી, ધારિયા, ધોકા અને પાઈપ જેવા હથિયારો વડે બંને પર જીવલેણ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.


આ સમગ્ર ઘટનાને લઈ આડેસર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ