નખત્રાણા તાલુકામાં માતાની પુત્રો દ્વારા હત્યા, આડાસંબંધોની શંકા પાછળ હત્યાકાંડ




 નખત્રાણા તાલુકાના નાના કાદિયા ગામે ચોંકાવનારી ઘટના બની છે. માતાના મોબાઇલ પર વારંવાર વાત કરવાથી આડાસંબંધોની શંકા પાળી બેઠેલા બે પુત્રોએ જ પોતાની માતાનું ગળું દબાવી દેતાં ગામમાં ચકચાર મચી ગઈ છે.


મૃતક 40 વર્ષીય હેમલતાબેન ડાયાલાલ પારાધી (જાગરીયા), મૂળ ભુજના ઝુરા ગામના રહીશ, હાલ પતિ અને બે પુત્રો સાથે નાના કાદિયા ગામે નીતુભા માધુભા જાડેજાની વાડીમાં ભાગિયા તરીકે ખેતમજૂરી કરતાં હતા.


ગઈ રાત્રે અડધી રાત્રે લગભગ સાડા બાર વાગ્યે હેમલતાબેન અજાણ્યા વ્યક્તિ સાથે ફોન પર વાત કરી રહી હતી. તે જોઈને તેમના બે પુત્રોને ગુસ્સો આવ્યો. બન્ને ભાઈઓએ માતાને વાડીમાં જ રોકીને ગળું દબાવી દેતાં તેમનું મોત નિપજ્યું.


સવારે લગભગ છ વાગ્યે વાડીમાલિક નીતુભા જાડેજા વાડીએ પહોંચ્યા ત્યારે બન્ને પુત્રોએ ખુદ માતાની હત્યાની કબૂલાત કરી હતી. ત્યારબાદ નીતુભાએ તરત જ હેમલતાના પિતા દાનાભાઈ પારાધીને બોલાવ્યા. દાનાભાઈ વાડી પર પહોંચ્યા ત્યારે હેમલતાબેનનો મૃતદેહ જમીન પર પડેલો, નાકમાંથી લોહી નીકળીને સૂકાઈ ગયેલું અને ચહેરા પર ઉઝરડાં દેખાતા હતા.


મૃતકના પિતા દાનાભાઈએ મોટા પુત્ર અશોક અને 17 વર્ષના કિશોર પુત્ર સામે મર્ડરની ફરિયાદ નોંધાવી છે.


સગાંસંબંધી સમક્ષ પુત્રોએ કહ્યું કે, “મમ્મી અમને અને પપ્પાને બોલતી નહોતી, ઘરકામ કરતી નહોતી અને સતત ફોન પર વાત કરતી રહેતી હતી. ઘણી વાર સમજાવ્યું છતાં નહીં માનતાં ગુસ્સામાં આવી ગઈ કાલે રાત્રે તેનું ગળું દબાવી નાખ્યું.”


આ બનાવની જાણ થતાં નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણાએ તરત જ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની અટક માટે કાર્યવાહી શરૂ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ