કચ્છના પચ્છમ, ખડીર અને પ્રાંથળ વિસ્તારને નર્મદાની કેનાલ સાથે જોડવાની માંગ

 

ભુજ: કચ્છના સરહદી વિસ્તારો પચ્છમ પાસી, ખડીર અને વાગડના પ્રાંથળ વિસ્તારના ગામોને નર્મદા કેનાલ સાથે જોડવાની માંગ ઉઠી છે. આ વિસ્તારોના ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ થાય તો સરહદી વિસ્તારમાં લાખો હેક્ટર જમીન પિયત હેઠળ આવી શકે એવી અપેક્ષા વ્યક્ત થઈ છે. ભુજ તાલુકાના રતડિયા બેઠકના સભ્ય એ.જે. સમાએ જળ સંપત્તિ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે રાપર તાલુકાના બેલા, મૌવાણા, જાટાવડા, બાલાસર, લોદ્રાણી, શિરાનીવાંઢ જેવા ગામો, ભચાઉ તાલુકાના અમરાપર, બાંભણકા, ધોળાવીરા તથા ભુજ તાલુકાના જામકુનરિયા, રતડિયા, દિનારા, ધ્રોબાણા, ખાવડા સહિતના વિસ્તારોમાં ખેડૂતો નર્મદા કેનાલનું પાણી મળે તો કૃષિ ઉત્પાદન વધી શકે. સાથે જ સાધારા, અંધૌ, ખારી, સોયલા જેવા ગામોને ઘડુલી–સાંતલપર રોડથી રણમાર્ગે પાઈપલાઈન દોરીને પાણી પહોંચાડવાની પણ માંગણી કરવામાં આવી છે. પચ્છમ પાસીની 16, ખડીરની 9 અને પ્રાંથળની 7 એમ મળી કુલ 32 ગ્રામ પંચાયતોને નર્મદાનું પાણી મળે તો સરહદી વિસ્તારમાં ખેડૂતોએ અનાજનું ઉત્પાદન કરીને દેશની અન્ન સુરક્ષામાં ફાળો આપી શકે એવી દલીલ રજૂઆતમાં કરવામાં આવી છે. હાલમાં માંજુવાસ સુધી નર્મદા કેનાલ પહોંચી ચૂકી છે અને વાગડ તરફ જતી આ કેનાલમાં ભવિષ્ય માટે ફાંટો પણ રાખવામાં આવ્યો છે. જામકુનરિયાથી મૌવાણા સુધીનું અંતર માત્ર 70 કિલોમીટર હોવાથી, જો સરકાર સીધી કેનાલને મંજૂરી આપે તો કચ્છના આ દુર્ગમ વિસ્તારોના ખેડૂતોને પાણીનો જીવદાતા સ્ત્રોત મળી શકે એવી આશા વ્યક્ત થઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ