રાપર (કચ્છ): કચ્છ પૂર્વ-ગાંધીધામ પોલીસ વિભાગ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગારની બદી સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ગાગોદર પોલીસે એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ૭ ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગાગોદર ગામના ખુલ્લા પટમાં દરોડો પાડતાં નરેશ અમરા સોલંકી, હરખા પેથાભાઈ સોલંકી, બાલુભાઈ અભુભાઈ સોલંકી, દીપકભાઈ રમેશભાઈ વાઘેલા અને રમજુ ગુલમામદ મન્સુરી જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. ૧૧,૧૦૦ રોકડ અને ગંજીપાના જપ્ત કર્યા હતા.
આ ઉપરાંત નવા મેવાસા ગામે હનુમાન મંદિર પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડતાં પ્રતાપગઢના અરવિંદભાઈ દુદાભાઈ કોલી અને હજીયાવાંઢના નરશીભાઈ વિભાભાઈ કોલી ઝડપાયા હતા, જ્યારે પ્રતાપગઢના ભાણાભાઈ વસ્તાભાઈ કોલી અને ઈશ્વરભાઈ નથુભાઈ કોલી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. ૧૦,૯૦૦ રોકડ અને ૫૨ નંગ ગંજીપાના જપ્ત કર્યા હતા. બંને બનાવમાં કુલ રૂ. ૨૨,૦૦૦ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

0 ટિપ્પણીઓ