છરી બતાવી લોકોના ધબકારા વધારવા નીકળ્યો હતો, પણ રાપર પોલીસની ખાખી જોઈને પોતાના જ ધબકારા વધી ગયા! કાજલ મહેરિયાના ગીત પર હીરોગીરી કરનાર જેલભેગો.

 


સોશિયલ મીડિયા પર ફેમસ થવાના અને ‘રીલ્સ’ બનાવીને દાદાગીરી બતાવવાના ચસકામાં લોકો ઘણીવાર કાયદાની મર્યાદા ભૂલી જતા હોય છે. આવો જ એક કિસ્સો વાગડ પંથકમાં સામે આવ્યો છે, જ્યાં કમરમાં છરી ભરાવીને વીડિયો અપલોડ કરી લોકોમાં રોફ જમાવવાનો પ્રયાસ કરતા એક શખ્સનો નશો રાપર પોલીસે ઉતારી દીધો છે. જાહેરનામાનો ભંગ કરી લોકોમાં દહેશત ફેલાવતા આ ઈસમને રાપર પોલીસે ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું છે.

બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા દ્વારા જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી હથિયારો પ્રદર્શિત કરી લોકોમાં ભય ફેલાવતા તત્વો સામે સખત કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. આ સૂચનાઓને પગલે રાપર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં સઘન પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે, ઈન્સ્ટાગ્રામ પર narasi_koli_001 નામની આઈડી પરથી એક ઈસમ પોતાની ભેઠમાં છરી રાખીને વીડિયોઝ અપલોડ કરી રહ્યો છે, જે હથિયારબંધી જાહેરનામાનો સીધો ભંગ છે અને તેનાથી સમાજમાં ભયનો માહોલ ઉભો થાય છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને રાપરના દૂધડેરી વિસ્તારમાં રહેતા અને મૂળ કાનપર ગામના ૩૫ વર્ષીય નરશી રણછોડભાઈ કોલી (પારકરા) નામના શખ્સને ઝડપી લીધો હતો.

પોલીસે આરોપી પાસેથી રૂ. ૦૦/૦૦ ની કિંમતની ૧ નંગ છરી કબ્જે કરીને તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાપર પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરીથી સોશિયલ મીડિયા પર અસામાજિક પ્રવૃત્તિઓ કરતા અને રોફ જમાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ