ભુજઃ ભુજના સુખપર ગામના 62 વર્ષીય વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી 3 લાખ રૂપિયાની માંગણી કરી અને 60 હજાર રૂપિયા પડાવી લેવાના કેસમાં અંતિમ મહિલા આરોપી નીતાબેન નાથાલાલ પટેલ (ઉંમર 44, રહે. ભુજ) આજે દિવાળી બાદ આખરે પોલીસના જાળમાં આવી ગઈ છે. આ કેસમાં કુલ પાંચ આરોપીઓ સામે 5 ઓગસ્ટ, 2025ના રોજ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદના બીજા જ દિવસે ત્રણ આરોપીઓ ઝડપાઈ ગયાં હતાં, જ્યારે હેમલતા ગઢવી ઉર્ફે સોનુ નામની દહીંસરાની મહિલા આરોપી અન્ય સમાન ગુનામાં માંડવી પોલીસે અગાઉ જ પકડી લીધી હતી. એકલી નીતા પટેલ જ અઢી મહિના સુધી ફરાર રહી હતી. બૉબ કટ વાળવાળી નીતા પટેલે નકલી પોલીસ બનીને અન્ય બે આરોપી કમલેશ દયાપ્રસાદ વર્મા અને ભગવત ઓમપ્રકાશ રાણા સાથે મળીને ફરિયાદીને ધમકાવીને રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ફરાર નીતાએ ભુજ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટએ 18 સપ્ટેમ્બર, 2025ના રોજ અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં અન્ય ચારે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે અને તેઓ જામીન પર મુક્ત છે. તપાસ પૂર્ણ થઈ ચૂકતાં હવે નીતા પટેલ સામે ટૂંક સમયમાં ચાર્જશીટ રજૂ થવાની સંભાવના છે. કાનૂની રીતે સમાનતાના સિદ્ધાંત (પેરિટી)ના આધારે નીતાને પણ જામીન મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

0 ટિપ્પણીઓ