કિડાણા ગામે ગૌવંશ હત્યા મામલે ત્રણ આરોપીઓ ઝડપાયા ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસની અસરકારક કાર્યવાહી

 



ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં ગૌવંશની હત્યા કરનાર એક પુરુષ અને બે મહિલાઓ સહિત ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.


માહિતી મુજબ, પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન ગુપ્ત બાતમીના આધારે પોલીસે કિડાણા ગામના ૧૦૦ ચોરસવાર વિસ્તાર ખાતે રેઇડ કરી હતી. તપાસ દરમિયાન આરોપી સબીર નુરમામદ માણેક, તેની પત્ની શેરબાનુ અને તેની બહેન ફાતમાબેન કાસમ જાકુબે પોતાના ઘરના આગળથી પસાર થતા ગૌવંશ (આખલા)ને ઘરમાં ખેંચી અંદર બાંધી રાખી કુહાડી અને છરી વડે હત્યા કરી હોવાની હકિકત બહાર આવી હતી.


પોલીસે સ્થળ પર તપાસ કરતાં ઘરના આંગણામાંથી ગૌવંશના અંગોના ભાગો તથા ફ્રીઝમાં પ્લાસ્ટિકના કોથળામાં ભરી રાખેલ માંસનો જથ્થો મળી આવ્યો હતો. પશુચિકિત્સકની હાજરીમાં લેવામાં આવેલા સેમ્પલના પરીક્ષણમાં આ માંસ ગૌવંશનું હોવાનું સ્પષ્ટ થયું હતું.


પોલીસે સ્થળ પરથી કુલ ૧૯૦ કિલોગ્રામ ગૌવંશનું માંસ, કુહાડી, છરી અને દોરડી કબ્જે કર્યા છે. કુલ મૂલ્ય આશરે રૂ. ૧૯,૦૦૦ ગણવામાં આવ્યું છે.


ઝડપાયેલા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ તથા પ્રાણી કૃરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


વિશેષ નોંધનીય છે કે મુખ્ય આરોપી સબીર નુરમામદ માણેક વિરુદ્ધ વર્ષ ૨૦૨૪માં પણ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગૌવંશના માંસના ગેરકાયદે પરિવહન માટે ગુનો નોંધાયો હતો.


આ આખી કામગીરી પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોજીયા, પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.એન. વાઢીયા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.


ગાંધીધામ બી ડિવિઝન પોલીસે જણાવ્યું કે જિલ્લાભરમાં ગેરકાયદેસર ગૌવંશ સંબંધિત પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને આવી ઘટનાઓને કોઈ રીતે સહન નહીં કરવામાં આવે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ