ગાગોદર પોલીસની દમદાર કાર્યવાહી: ગેરકાયદેસર દબાણ પર ડિમોલેશન



ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની ઝુંબેશ અંતર્ગત પૂર્વ કચ્છ (ગાંધીધામ) પોલીસે એક નોંધપાત્ર અભિયાન હાથ ધર્યું છે. ગાગોદર પોલીસએ વહીવટી તંત્રની મદદથી ગામમાં થયેલું મોટું ગેરકાયદેસર દબાણ તોડી સરકારી જમીન ફરી ખુલ્લી કરાવી છે.


ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ પગલું


રાજ્યના મહાનિર્દેશક વિકાસ સહાયના સ્પષ્ટ આદેશો બાદ આ કાર્યવાહી અમલમાં મુકાઈ હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ ભુજ-કચ્છ) અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર (પૂર્વ-કચ્છ, ગાંધીધામ)ના માર્ગદર્શન હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું.


કોના પર કાર્યવાહી?


આ કાર્યવાહી ગાગોદર ગામના રહેવાસી પરબત મોતીભાઈ કોલી સામે કરવામાં આવી હતી. તેના પર અગાઉ શરીર સંબંધિત તેમજ મિલકત સંબંધિત અનેક ગુનાઓનો ઇતિહાસ નોંધાયેલો છે. કોલીએ ગાગોદર ગામની સીમમાં આવેલ સરકારી પડતર જમીન (સર્વે નંબર ૮૬૮) પર ગેરકાયદેસર કબજો કરી આશરે ૧૨૦૦ ચો.મી. વિસ્તાર દબાવી લીધો હતો, જેમાંથી ૪૦૦ ચો.મી. પર પાકું મકાન પણ બાંધવામાં આવ્યું હતું.


ડિમોલેશન પ્રક્રિયા


ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એ. સેંગલના નેતૃત્વમાં વહીવટી તંત્ર સાથે સંકલન કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી. સર્વે બાદ ડિમોલેશનની યોજના ઘડી, અને આજ રોજ પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાયદેસર દબાણ તથા બાંધકામ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું.


આ કામગીરીમાં રાપર મામલતદાર વાઘેલા સાહેબ, સર્કલ ઓફિસર, ગાગોદર તલાટી કમ મંત્રી તેમજ પીજીવીસીએલના અધિકારીઓ પણ જોડાયા હતા. અંતે સરકારી જમીન અસામાજિક તત્વોના કબજામાંથી મુક્ત થઈ જાહેર ઉપયોગ માટે ખુલ્લી કરાઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ