આડેસર પોલીસની મોટી કાર્યવાહી: બોલેરો ગાડીમાંથી ૨૩ અબોલ જીવોને છોડાવ્યા, ચાર શખ્સો સામે ગુનો દાખલ




શું હતો બનાવ?

ગઈ કાલે રાતે આડેસર પોલીસ ચેકપોસ્ટ પાસે અરવિંદભાઈ ચૌધરી અને એમની પોલીસ ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. એ વખતે રાતના આશરે સાડા આઠેક વાગ્યે પોલીસને એક પાક્કી બાતમી મળી કે માખેલ બાજુથી એક સફેદ કલરની બોલેરો ગાડી (નંબર GJ-24-X-6244) આડેસર તરફ આવી રહી છે અને એમાં મૂંગા જીવોને કોઈ પણ જાતની મંજૂરી વગર ભરીને રાધનપુર બાજુ લઈ જવામાં આવી રહ્યા છે.

બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવીને આ ગાડીને ચેકપોસ્ટ પાસે ઊભી રખાવી હતી. પંચોને સાથે રાખીને ગાડીના પાછળના ભાગમાં જોયું તો ૨૩ જેટલા ઘેટાંઓને ઘાસચારા કે પાણી વગર, સાવ ખીચોખીચ અને દોરડાથી બાંધીને ભર્યા હતા. બિચારા જીવો સાવ ભૂખ્યા અને નબળા પડી ગયા હતા. ડ્રાઈવર પાસે આ જીવોને લઈ જવા માટેનો કોઈ કાગળ કે પાસ ન હતો.

કોણ કોણ હતા આરોપી?

આ કેસમાં પોલીસે કુલ ૪ જણા સામે કાયદેસરનો ગુનો નોંધ્યો છે:

 * લક્ષ્મણ મેરાભાઈ ભરવાડ (ગમારા): આ ભાઈ બોલેરો ગાડી ચલાવતો હતો. તેની ઉંમર આશરે ૨૦ વર્ષ છે અને તે રાપર તાલુકાના લખાગઢ ગામનો રહેવાસી છે. પોલીસે તેને ગાડી સાથે જ પકડી લીધો હતો.

 * જગા દેવશી ભરવાડ: આ સણવા (તા. રાપર) નો રહેવાસી છે. આણે જ ડ્રાઈવરને ફોન કરીને ઘેટાં ભરવાનું કીધું હતું.

 * એક અજાણ્યો માણસ: જેણે ભીમાસર-પલાસવા રોડ પર આવેલી કેનાલ પાસેથી આ ઘેટાં ગાડીમાં ભરાવી આપ્યા હતા.

 * મોબાઇલ નંબર ૮૨૦૦૫૩૫૧૯૯ વાળો ભાઈ: આ માણસ સીઘાડા પાસે ગાડીમાંથી ઘેટાં લેવા માટે આવવાનો હતો.

પોલીસે શું શું માલ જપ્ત કર્યો?

આડેસર પોલીસે જગ્યા પરથી કુલ ૨,૨૮,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે, જેમાં આટલી વસ્તુઓ છે:

 * ૨૩ જીવતા ઘેટાં (એક ઘેટાના ૧૦૦૦ રૂપિયા લેખે કુલ ૨૩,૦૦૦ રૂપિયાના ઘેટાં).

 * એક મહિન્દ્રા બોલેરો પીકપ ગાડી (જેની કિંમત ૨ લાખ રૂપિયા ગણવામાં આવી છે).

 * એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન (જેની કિંમત ૫,૦૦૦ રૂપિયા છે).

કાયદાકીય કાર્યવાહી:

પોલીસે મૂંગા જીવોને હેરાન કરવા બાબતે અને ગેરકાયદેસર હેરાફેરી કરવા બદલ પશુ સંરક્ષણ ધારા અને પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં આ કેસની આગળની તપાસ PI J.b. આચાર્ય સાહેબ કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ