કચ્છના રસ્તાઓ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો રોજ નવી અને ચોંકાવનારી તરકીબો અજમાવી રહ્યા છે. પરંતુ આ વખતે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ચાંપતી નજરે રાજસ્થાનથી આવતા એક મસમોટા કૌભાંડનો ફિલ્મી ઢબે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં પોલીસને થાપ આપવા માટે માત્ર ખોટી નંબર પ્લેટ જ નહીં, પરંતુ દારૂની ડિલિવરી માટે "જય માતાજી" નો એક ખાસ કોડવર્ડ પણ નક્કી કરવામાં આવ્યો હતો.
ગત ૨૬ જુલાઈના રોજ પૂર્વ કચ્છમાં પેટ્રોલિંગ કરી રહેલા SMC ના પોલીસ કોન્સ્ટેબલ વસીમભાઈ બુખારી અને તેમની ટીમને એક સચોટ બાતમી મળી હતી કે, રાજસ્થાનના બાડમેરથી દારૂ ભરેલું એક ટ્રેલર ગાગોદર ગામ પાસેની 'જય ગોગા રાજસ્થાની હોટલ'ના પાર્કિંગમાં ઊભું છે. પોલીસે તરત જ એક્શનમાં આવીને છાપો માર્યો ત્યારે બાતમીવાળું ટ્રેલર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. બહારથી જોતા આ ટ્રેલર પર ગુજરાત પાસિંગની (GJ-08-Y-7835) નંબર પ્લેટ લાગેલી હતી, પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસમાં સામે આવ્યું કે આ નંબર પ્લેટ તદ્દન નકલી હતી અને ટ્રેલર મૂળ રાજસ્થાન પાસિંગનું (RJ-19-GJ-3940) હતું.
પોલીસે જ્યારે ટ્રેલરના પાછળના ભાગે તલાશી લીધી ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. કાળા મીણિયા નીચે છુપાવેલી વાદળી રંગની થેલીઓમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ ૧૩,૫૦૦ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ૪૮.૩૫ લાખ રૂપિયા થાય છે. ઘટનાસ્થળેથી પોલીસે બાડમેરના રહેવાસી એવા ડ્રાઈવર શ્રવણકુમાર મેઘવાલ અને ક્લીનર ચેનારામ જાટની ધરપકડ કરી લીધી હતી.
આ કેસમાં સૌથી રોમાંચક વળાંક પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછમાં આવ્યો હતો. ડ્રાઈવરે કબૂલાત કરી હતી કે રાજસ્થાનના સાંચોરમાં રહેતા નારાયણ દિપારામ જાટ નામના મુખ્ય સૂત્રધારે આ આખું ગેરકાયદેસર નેટવર્ક ગોઠવ્યું હતું. દારૂના આ મસમોટા જથ્થાને ક્યાં અને કોને આપવો તે માટે એક સિક્રેટ પ્લાન ઘડાયો હતો. ડ્રાઈવરને મળેલી સૂચના મુજબ, ટ્રેલરને સામખિયાળી ટોલ પ્લાઝાથી ૨૦૦ મીટર આગળ ઊભું રાખીને નારાયણને ફોન કરવાનો હતો. થોડીવારમાં ત્યાં એક અજાણ્યો શખ્સ દારૂ લેવા માટે આવવાનો હતો અને તે ટ્રેલર પાસે આવીને એક સિક્રેટ કોડવર્ડ બોલવાનો હતો - "જય માતાજી". જે વ્યક્તિ આ કોડવર્ડ બોલે તેને જ આ દારૂ ભરેલું ટ્રેલર સોંપી દેવાનું હતું. આ જોખમી કામ પાર પાડવાના બદલામાં ડ્રાઈવરને ૩૦ હજાર અને ક્લીનરને ૫ હજાર રૂપિયાનું મહેનતાણું મળવાનું હતું.
પરંતુ, બુટલેગરોનો આ "જય માતાજી" કોડવર્ડ કામે લાગે તે પહેલાં જ SMC ની ટીમે તેમની બાજી બગાડી નાખી હતી. પોલીસે ૩૦ લાખ રૂપિયાનું ટ્રેલર, ૪૮.૩૫ લાખનો દારૂ અને રોકડ તથા મોબાઈલ ફોન મળીને કુલ ૭૮,૫૭,૬૬૬ રૂપિયાનો મસમોટો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. હાલ ગાગોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર નારાયણ જાટ અને સામખિયાળી ખાતે ડિલિવરી લેવા આવનાર અજાણ્યા શખ્સની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. પી.આઈ. માંડાભાઈ જીવાભાઈ હોણના માર્ગદર્શન હેઠળ પોલીસ આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ ચલાવી રહી
છે.

0 ટિપ્પણીઓ