અંજાર : પૂર્વ કચ્છ જિલ્લામાં ચાલી રહેલા “નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઈન” અંતર્ગત ગાંધીધામ એસ.ઓ.જી. દ્વારા અંજાર–ભીમાસર રોડ પર વર્ષામેડી ગામ નજીક મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોલીસે વર્ષામેડી ગામ સામે આવેલા બસ સ્ટોપ પાસે પંજાબના રહેવાસી તથા હાલ વર્ષામેડીની ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા પ્રભજીતસિંગ અનોપસિંગ મજબીને ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઈન સાથે ઝડપી પાડ્યો હતો.
તપાસ દરમિયાન આરોપી પાસે થી ૧૦.૧૦ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૫.૦૫ લાખ જેટલી થાય છે. સાથે સાથે વજનકાંટા, મોબાઈલ ફોન, રોકડ રકમ અને ઓળખપત્રો સહિત કુલ રૂ. ૫.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી ડી.ડી. ઝાલા (પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. ગાંધીધામ) તથા તેમની ટીમ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનની મદદથી હાથ ધરાઈ હતી.
આરોપી સામે એન.ડી.પી.એસ. અધિનિયમ – ૧૯૮૫ હેઠળ ગુનો નોંધાઈ, આગળની કાર્યવાહી અંજાર પોલીસને સોંપવામાં આવી છે.
આ કેસમાં સંડોવાયેલ સહ–આરોપી લખબીરસિંગ ઉર્ફે સાજન બિટુસિંગ મજબી (મૂળ પંજાબનો) હાલ ફરાર છે અને તેની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
પૂર્વ કચ્છ પોલીસએ જણાવ્યું છે કે જિલ્લામાં માદક પદાર્થોના જાળાને સમૂળે નાબૂદ કરવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને કોઈને પણ છોડવામાં નહીં આવે.

0 ટિપ્પણીઓ