મુંદરા પોલીસે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા રીઢા આરોપીને ચોરાયેલા દાગીનાના મુદ્દામાલ સાથે ઝડપ્યો છે. થોડા દિવસો પહેલા બારોઈ રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીમાંથી રૂ. 2,43,200ના દાગીનાની ચોરી થઈ હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતાં રાત્રી દરમિયાન હાથમાં થેલી લઈને ચાલતો એક શખ્સ શંકાસ્પદ જણાયો હતો.
પોલીસે વધુ તપાસ દરમ્યાન કેટલાક શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે પકડી પાડ્યા હતા. તે દરમિયાન હનીફ ઉર્ફે હનફો હુસેન સના (વાઢેર), રહે. જામનગરએ ગુનો કબૂલ કર્યો હતો. તેની પાસેથી ચોરાયેલા દાગીના પણ મળી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, હનફો બંધ ઘરોના તાળા તોડી ચોરી કરતો હતો. તે રાત્રીના સમયે થેલી લઈને ગામમાં નીકળે અને લક્ષ્ય મળતાં જ ઘરફોડ કરતો. તેના સામે કચ્છ, જામનગર અને દ્વારકા સહિત કુલ 34 ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. અત્યાર સુધી તે 11 વખત પકડાઈ કોર્ટના હવાલે થયો છે, પરંતુ દરેક વખતે જામીન પર છૂટી ગયો હતો. હાલ તે જામનગરની વિવિધ કોર્ટોના વોરંટ હેઠળ નવ મહિના થી ફરાર હતો.
આ સફળ કાર્યવાહી મુંદરા પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક તથા સર્વેલન્સ સ્ટાફની ટીમે અંજામ આપી હતી.

0 ટિપ્પણીઓ