જેસડા સીમમાં વિશ્વાસઘાતનો કિસ્સો: જમીન સાચવનારે જ માલિકની બે ખેતર પચાવી પાડતાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો


રાપર તાલુકાના જેસડા ગામની સીમમાં જમીન કબજાની એક ગંભીર ઘટના સામે આવી છે. મુળ જમીન માલિકે પોતાની મિલકતની દેખરેખ માટે જેને વિશ્વાસપૂર્વક જવાબદારી સોંપી હતી, એ વ્યક્તિએ જ તે બે ખેતરો પોતાના કબજામાં લઈ લીધા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ છે.


માહિતી મુજબ, સુવઇના વતની અને હાલ મુંબઈમાં વસતા યોગેશભાઈ દામજીભાઈ સતરાએ રાપર પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રમેશ હોથી કોલી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.


ફરિયાદ મુજબ, યોગેશભાઈએ જેસડા ગામની સીમમાં આવેલી અનેક જમીનો વિવિધ વ્યક્તિઓ પાસેથી ખરીદી હતી — જેમ કે સર્વે નં. 2233 પૈકી 2 કારીયા ભીમશીભાઈ પાસેથી, સર્વે નં. 233 પૈકી 3 નરપારભાઈ ભુરાભાઈ ગાલા પાસેથી અને સર્વે નં. 217/2 તેમના પિતા દામજીભાઈ જુઠાભાઈ સતરાએ ભીમશીભાઈ હરખાભાઈ કારીયા પાસેથી ખરીદી હતી. આ તમામ જમીન તેમના પિતાએ જીવનકાળમાં જ યોગેશભાઈને સોંપી હતી. ઉપરાંત સર્વે નં. 218/2 પૈકી 2 પણ તેમના નામે હતી.


આ જમીનોની દેખરેખ અને ખેતી માટે યોગેશભાઈએ મનફરાના રમેશ હોથી કોલીને સોંપી હતી. પરંતુ, વતન મુલાકાતે આવ્યા ત્યારે યોગેશભાઈને ખબર પડી કે રમેશે જમીન પોતે જ પચાવી લીધી છે અને કહ્યું કે “હવે આ જમીન મારી છે, તમે અહીં પગ પણ નહીં મૂકી શકો.”


આ ઘટનાને પગલે યોગેશભાઈએ કલેક્ટર સમક્ષ અરજી કરી હતી. તપાસ બાદ કલેક્ટરના આદેશ અનુસાર રાપર પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રમેશ હોથી કોલી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ