કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં માનવતાને શરમાવતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાવકા પુત્રએ જ પોતાના સાવકી માતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. હવસખોરથી બચવા માટે મહિલાએ ચીસો પાડી મદદ માંગી હતી, પરંતુ આજુબાજુ કોઈ ન રહેતા તે નિષ્ફળ ગઈ. અંતે મહિલા દુષ્કર્મનો ભોગ બની.
માહિતી મુજબ, પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના એક ગામની મહિલાના બીજા લગ્નને લગભગ ૨૦ વર્ષ થયા છે. તેનો પતિ રાપરના એક ગામમાં રહે છે અને તેની પહેલી પત્નીથી ત્રણ પુત્રો છે, જ્યારે પીડિત મહિલાને બે સંતાનો છે. મહિલા પોતાના બે સંતાનો સાથે અલગ રહેતી હતી અને પતિ સમયાંતરે મળવા આવતા હતા.
તારીખ ૩ સપ્ટેમ્બરની સાંજે પતિની પહેલી પત્નીનો પુત્ર એટલે સાવકો પુત્ર મહિલાના ઘરે આવ્યો હતો. તેણે જમવાનું ખાધા બાદ રાત્રી રોકાવાની વાત કરી. મહિલા બાજુના ઓરડામાં પથારી કરવાની જતી હતી, ત્યારે સાવકા પુત્રએ પાછળથી બળજબરી કરી દુષ્કર્મ આચર્યું. મહિલાના બુમાબુમ છતાં મદદે કોઈ ન આવ્યું. આ ઘટનાથી મહિલા અને તેના સંતાનો ભયભીત થઈ ગયા.
પછીના દિવસે, એટલે કે ૪ સપ્ટેમ્બરે, મહિલા પોતાના સંતાનો સાથે પિયર રાધનપુર આવી અને પરિવારને આખી વાત કહી. ત્યારબાદ મહિલા સહાયતા કેન્દ્રની મદદથી ફરિયાદ નોંધાવવામાં આવી. કારણ કે ઘટના રાપર વિસ્તારમાં બની હતી, રાધનપુર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી અને તપાસ માટે સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપી છે.

0 ટિપ્પણીઓ