ભચાઉ તાલુકાના શિકરામાં આવેલી ગુડલક મેટાલિક કંપનીની લેબર કોલોનીમાં એક શોકજનક બનાવ બન્યો છે, જ્યાં સામાન્ય બોલાચાલી જાનલેણ બની હતી. એક મજૂરે પોતાના સાથી મજૂરને લોખંડની પાઈપથી માથામાં ઘા મારીને હત્યા કરી નાખી હતી.
શું બન્યું હતું?
ઘટના ગુરુવાર અને શુક્રવારની મધરાતે લગભગ 12:30 વાગ્યાની આસપાસ બની હતી. લેબર કોલોનીના રૂમ નંબર 10માં છ મજૂરો એકસાથે રહેતા હતા. ફરિયાદી વિજયસિંહ ગૌડ (રહે. કોરબા, છત્તીસગઢ) અનુસાર તેના કૌટુંબિક ભત્રીજા સરવનસિંહ ઈતવારસિંહ અને અન્ય સાથીમજૂર રાજકુમાર ભોલા (રહે. કટની, મધ્યપ્રદેશ) વચ્ચે બોલાચાલી થઈ હતી.
શરૂઆતમાં ઝઘડો થતો જોવા મળતા વિજયસિંહે બંનેને શાંત પાડ્યા હતા. પરંતુ થોડા સમય બાદ ઝઘડો ફરી શરૂ થયો અને સ્થિતિ કાબૂથી બહાર ગઈ.
લોહીયાળ હુમલો અને મૃત્યુ
મધરાતે રૂમમાં રહેતા સાથી મજૂર પ્રમોદે વિજયસિંહને ઊંઘમાંથી જગાડીને જણાવ્યું કે રાજકુમાર અને સરવન વચ્ચે ફરી ઝઘડો થયો છે અને રાજકુમારે લોખંડની પાઈપ વડે સરવનના માથામાં ઘા કર્યો છે.
જ્યારે વિજયસિંહ બહાર આવ્યો ત્યારે સરવન લોહીલુહાણ હાલતમાં પડી રહ્યો હતો અને રાજકુમાર નજીક પાઈપ લઈને ઊભો હતો. સિક્યોરીટી સ્ટાફ દોડી આવીને પાઈપ છીનવી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી.
હોસ્પિટલમાં મોતની પુષ્ટિ
જખ્મી સરવનસિંહને પ્રથમ સામખિયાળીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, બાદમાં તેને ભચાઉ સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો.
પોલીસ કાર્યવાહી શરૂ
ઘટનાની જાણ થતા ભચાઉના પીઆઈ એ.એ. જાડેજા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસ બાદ આરોપી રાજકુમારને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે. ડીવાયએસપી સાગર સાંબડાની માર્ગદર્શન હેઠળ પોલીસે
આગળની તપાસ શરૂ કરી છે.

0 ટિપ્પણીઓ