બેલા (રાપર), 8 જૂન:

રાપર તાલુકાના બેલા ગામે ચેલ્લા એક વર્ષથી બંધ પડેલા ઘરમાં શંકાસ્પદ રીતે આગ લગાડવાનો બનાવ સામે આવ્યો છે. કાનજીની વસ્તીમાં આવેલ રામદેવપીરના મંદિરની બાજુમાં આવેલા આ ઘરનો દરવાજો બંધ હોય છતાં ઘરની ફરતે આગ લગાવવામાં આવી હતી. આ બનાવ ગત રાત્રે લગભગ 9:30થી 10:00 વાગ્યાની વચ્ચે બન્યો હતો.


આગ લાગે તે પહેલાં કોઈ પણ પ્રકારની ચિંતાજનક ચળપળ જોઈ ન હતી, પરંતુ આગના ધુમાડા અને ગંધથી આસપાસની વસ્તીમાં રહેલા લોકો સતર્ક બન્યા હતા. લોકો તરતજ સ્થળ પર પહોંચ્યા અને મળેલી મદદથી આગ પર કાબૂ મેળવ્યો. તેમને પાણીના ડોલા અને હોઝ પાઇપની મદદથી આગ ઓલવી નાખી હતી. સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને થોડા સમય માટે દોડધામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.


પ્રાથમિક દૃષ્ટિએ જાણે કોઈ અસામાજિક તત્વે ઈચ્છાપૂર્વક આગ લગાડવાની કોશિશ કરી હોય તેવું લાગી રહ્યું છે. જો વસ્તીજનોએ સતર્કતા ન દાખવત, તો આગ સમગ્ર ઘરમાં અને આજુબાજુની રહેણાંક વસ્તીમાં ફેલાઈને મોટો જાનમાલનો નુકસાન થઈ શકતો. લોકો દ્વારા સમયસર કાર્યવાહીની સાથેજ એક મોટો અકસ્માત ટળી ગયો છે.


સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ ચિંતા જોવા મળી રહી છે અને તેઓએ રાત્રિ દરમિયાન સુરક્ષા બાબતે વધુ સાવચેતી રાખવાનું નક્કી કર્યું છે. “આજકાલ ગામમાં શાંતિભંગ થતી ઘટનાઓ વધી રહી છે, અમારે હવે વધુ ચોંકસ રહેવું પડશે,” એવો અવાજ લોકમુખે સાંભળવા મળ્યો હતો.